જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતા ખેડૂતે રાજકોટના વેપારીને વેચેલા ઘઉંના બે લાખ રૂપિયા વેપારીએ ખેડૂતને નહીં આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતાં અને ખેતીકામ કરતાં દેવાયતભાઇ મેઘાભાઇ ખીમાણિયા (ઉ.વ.36) નામના ખેડૂત યુવાને તેના ખેતરમાં વાવેલા ઘઉંના પાક બાદ ઉગેલા 372 મણ ઘઉં એક મણના રૂા. 550 લેખે કુલ રૂપિયા 2,04,600માં રાજકોટના રતનપરમાં રહેતાં હિમતભાઇ ચૌહાણ અને ભકિતનગરમાં બાબરીયા કોલોનીમાં રહેતા સુલ્તાન હુસેન પતાણી સહિતના ત્રણ શખ્સને વેચ્યા હતા. આ ત્રણેય શખ્સોએ ખેડૂતના ખેતરે આવીને 372 મણ ઘઉં વેચાણથી લઇ ગયા હતા. ત્યારબાદ ખેડૂત દ્વારા ઘઉંના રૂપિયાની માંગણી કરવામાં આવતા વેપારી દ્વારા પૈસા આપવા માટે આનાકાની કરતાં હતાં. એક મહિનાની ઉઘરાણી છતાં ઘઉંના વેચાણના પૈસા ન મળતાં ખેડૂત દેવાયતભાઇએ આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફએ અજાણ્યા સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


