જામનગર પોલીસ અધિક્ષક બાદ હવે ટ્રાફિક ઈન્ચાર્જ પીઆઇના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું હતું. જે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના વધતા જતાં ઉપયોગના કારણે ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ એટલા જ થઈ રહ્યા છે.
વિશ્વભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસને દિવસે વધતો જાય છે. જેમાં આ મીડિયાના માધ્યમના ફાયદાની સાથે સાથે અનેક ગેરફાયદો પણ છે. ડીજીટલ યુગમાં સાયબર ક્રાઈમ અનેકગણો વધી ગયો છે. હાલમાં જજામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. અને આ બનાવને હજુ થોડા દિવસ જ થયા છે ત્યાં જામનગર ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈનું ફેક ફેસબુક એકાઉન્ટ બનતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં મળતી વિગત મુજબ, ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઇ આર.એલ. કંડોરીયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફર્નિચર વેંચવાની જાહેરાત પણ મૂકવામાં આવી હતી. પીઆઈના એકાઉન્ટમાં આવી જાહેરાત મુકાતા કોઇ મિત્રએ પીઆઇને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને પીઆઈના ફોટાનો વોટસએપ ડીપીમાં પણ મૂકવામાં આવ્યો હતો. જેથી પીઆઇ તાત્કાલિક તપાસ કરી મિત્રવર્તુળોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. આ અંગેની જાણના આધારે સાયબર ક્રાઈમ પીઆઇ પી પી ઝા તથા સ્ટાફે તપાસ આરંભી હતી અને ફેક ફેસબુક એકાઉન્ટ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. કેમ કે આવા ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા હેકર્સ ફેસબુક ફ્રેન્ડ પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે.