ખંભાળિયા નજીકના રામનગર વાડી વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે જમીન બાબતે સતવારા જ્ઞાતિના નકુમ પરિવારજનો વચ્ચે થયેલી અથડામણમાં શનિવારે સામાપક્ષે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નવ મહિલાઓ સહિત કુલ 19 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
ખંભાળિયા – પોરબંદર માર્ગ પર આવેલા રામનગર વાડી વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા સતવારા દિવ્યેશભાઈ દિનેશભાઈ નકુમના પરિવારની આ જ વિસ્તારમાં આવેલી ચોક્કસ સર્વે નંબરવાળી જમીન પર ચાલવાના રસ્તાના મુદ્દે આ વિસ્તારમાં રહેતા તેમના જ નકુમ પરિવારના સદસ્યો વચ્ચે અહીંની મામલતદાર કોર્ટમાં ચાલતા કેસમાં તેઓ હારી ગયા હતા. પરંતુ આ ચુકાદામાં જણાવ્યા મુજબ ફરિયાદીએ બે માસની અંદર નાયબ કલેકટરને અપીલ કરવાની હોય, જેથી ફરિયાદી પરિવારે આ રસ્તો ખુલ્લો કર્યો ન હતો.
આ બાબતનું મન દુ:ખ રાખી, આ જ વિસ્તારમાં રહેતા રાજેશ વીરાભાઈ નકુમ, હસમુખ વીરાભાઈ નકુમ, રસિકભાઈ વીરાભાઈ, વિવેક રસિકભાઈ, મોહિત રાજેશભાઈ, સવિતાબેન રાજેશભાઈ, પ્રભાબેન હસમુખભાઈ, ઉષાબેન ઉત્તમભાઈ, મનીષભાઈ દેવરાજભાઈ, મનિષાબેન ઉર્ફે જીવીબેન મનીષભાઈ, મનિષાબેન હરિભાઈ નકુમ, ચંદુલાલ વશરામભાઈ, સવિતાબેન ચંદુલાલભાઈ, ચિરાગ જેઠાભાઈ, ચંપાબેન રામજીભાઈ, દીપક રામજીભાઈ, કસ્તુરબેન રવજીભાઈ, પુરીબેન વીરાભાઈ અને મહેન્દ્ર લાલજી નકુમ નામના કુલ 19 શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો લઈને ધસી આવ્યા હતા.
અહીં ફરિયાદી દિવ્યેશભાઈ નકુમની માલિકીની જગ્યામાં ગુનાહિત ઇરાદાથી અનધિકૃત રીતે અપપ્રવેશ કરીને ફરિયાદી દિવ્યેશભાઈ તથા તેમના પરિવારજનોને બિભત્સ ગાળો આપી, બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ખેતરમાં ઊભેલા મગફળીના પાકને ઉખેડી નાખી અને નુકસાની કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા રાયોટીંગની કલમ 143, 147, 148, 149, 427, 447 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મારામારીના આ બનાવમાં ઘવાયેલા કેટલાક વ્યક્તિઓને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બઘડાટીના આ બનાવના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. આ બનાવે રામનગર વિસ્તારમાં ભારે ચર્ચા ચગાવી છે.