જોડિયા તાલુકાના મેઘપર ગામમાં એક જ ફળિયામાં રહેતાં બે પરિવારો વચ્ચે શુક્રવારે બપોરના સમયે સામસામા હુમલા કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતાં નરશીભાઇ બેચરભાઈ સાપરીયા નામના વૃધ્ધ અને શાંતિલાલ નરશી ગોહિલ બંન્ને એક જ ફળિયામાં બાજુબાજુમાં રહેતાં હતાં. દરમિયાન નરશીભાઈ સાપરીયાના બહેન દયાબેન હાલીચાલી શકતા ન હતાં અને આંખે દેખાતું નહતું. જેથી વૃધ્ધ તેના બહેનને બાથરૂમમાં લઇને જતાં હતાં ત્યારે શાંતિ નરશી ગોહિલ અને તેની પત્ની પાર્વતી ગોહિલ નામના દંપતીએ લાકડીઓ વડે દયાબેનને બાથરૂમ કરાવવા કેમ લઇ જાશ? તેમ કહી અપશબ્દો બોલી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે નરશી બેચર સાપરીયા નામના વૃધ્ધે ઉશ્કેરાઇને પાર્વતીબેન ગોહિલ તથા તેના પતિ શાંતિલાલને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
બંને વૃધ્ધો દ્વારા સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એેએસઆઈ આર.એમ.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી નરશી બેચર સાપરીયા અને પાર્વતીબેન ગોહિલ નામના બન્ને વૃધ્ધોની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.