જામનગર શહેરના એસ.ટી. ડેપો રોડ પરથી એમ.ડી. પાવડરના જથ્થા સાથે એસ.ઓ.જી.ની ટીમે બે શખ્સોને ઝડપી લઇ રૂા.2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં ડ્રગ્સ સપ્લાયર જામનગરના શખ્સનું નામ ખુલતા પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સોના રિમાન્ડ મેળવી શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એસ.ટી. ડેપો સામે હોસ્પિટલની બાજુની શેરીમાં, યોગેશ્ર્વર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં બે શખ્સો ડ્રગ્સનું વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડયો હતો. એમ.ડી. પાવડર (ડ્રગ્સ) નું વેચાણ કરતાં મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રૂમી અને રીઝવાન મહમદભાઈ કોરેજાને ઝડપી લીધા હતાં તેના કબ્જામાંથી રૂા.2.04 લાખની કિંમતનું 20.4 ગ્રામ એમ.ડી. પાવડર (ડ્રગ્સ) તેમજ મોબાઇલ ફોન, એક નાનો સેલવાળો પોકેટ વજન કાંટો, બાઇક મળીને કુલ રૂા.2,04,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ જામનગરના કામીલ રઝા નેતરએ સપ્લાય કર્યો હોવાની કબુલાત કરતાં પોલીસે શોધખોળ આરંભી હતી. ત્યારબાદ પીએસઆઈ એમ. વી. મોઢવાડિયાએ કબ્જો સંભાળ્યો હતો અને કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરીને રવિવારે કોર્ટમાં રજૂ કરીને આગામી તા.13 એપ્રિલ સુધી રિમાન્ડ પર લઇને આકરી ઢબે પૂછપરછ કરી અને ફરાર શખ્સની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.