Wednesday, March 26, 2025
HomeબિઝનેસStock Market Newsસોમવારે શેરબજારમાં મોટા ભંગાણના એંધાણ

સોમવારે શેરબજારમાં મોટા ભંગાણના એંધાણ

સોમવારે મોટા ગેપડાઉન ઓપનિંગનો ગીફટ નિફટીએ આપ્યો સંકેત : અમેરિકાના ડાઉજોન્સમાં 800 પોઇન્ટનો કડાકો : ટ્રમ્પ પર સવાર ‘ટેરિફ ભૂત’ ભારતને લેશે ભરડામાં, જેવા સાથે તેવા થવાની ફરી આપી ધમકી : ભારતના નાના રોકાણકારોમાં દહેશતનો માહોલ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સવાર થયેલાં ટેરીફ ભૂતને કારણે સમગ્ર વિશ્ર્વમાં આર્થિક અનિશ્ચિતતાનો  માહોલ ઉભો થયો છે. વૈશ્વિક અર્થતંત્ર ટેરિફના ડરને કારણે ડામાડોળ બન્યું છે. ત્યારે શુક્રવારે અમેરિકન શેરબજારમાં બોલી ગયેલા કડાકાની અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળશે. અમેરિકન બજારમાં છેલ્લા બે દિવસથી આવેલા મોટા ઘટાડાને કારણે સોમવારે ભારતીય બજારમાં પણ પ્રારંભે જ મોટું ભંગાણ સર્જાવાના એંધાણ સાંપડયા છે.

- Advertisement -

ટેરિફ વોરને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે શુક્રવારે અમેરિકાના ડાઉજોન્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જયારે ટેકનોલોજીના શેર ધરાવતો ઇન્ડેકસ નાસ્ડેક પણ 350થી વધુ પોઇન્ટ તૂટયો હતો. છેલ્લા બે દિવસમાં ડાઉજોન્સમાં 1400થી વધ પોઇન્ટનો કડાકો નોંધાયો છે. અમેરિકન બજારની અસર ભારતમાં મોડી રાત સુધી ટ્રેડ થતી ગીફટ નિફટી પર જોવા મળી હતી. ગિફટ નિફટી 175 પોઇન્ટ નીચે સરકી ગઇ છે. પરિણામે સોમવારે ભારતીય બજાર મોટા ગેપ ડાઉન સાથે ખુલવાની સંભાવના પ્રબળ બની છે.

શુક્રવારે ભારતીય શેરબજારનું સૂચક આંક નિફટી તેના મહત્વપૂર્ણ સપોટ લેવલ 22800 આસપાસ બંધ થયો હતો. છેલ્લા એક સપ્તાહથી નિફટી રર800નું સપોટ લેવલ બચાવી રહ્યો છે. પરંતુ વૈશ્ર્વિક બજારોના સંકેતો સાથે સોમવારે ભારતીય બજારમાં બ્રેકડાઉન જોવા મળી શકે છે. અમેરિકા સાથે યુરોપિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો પહેલેથી જ ડોલર સામે ઐતિહાસિક નીચા સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે. ત્યારે અમેરિકન બજારના કડાકાએ ભારતીય રોકાણકારોને ચિંતામાં વધારો કર્યો છે.

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેમના વેપાર વડાને આદેશ આપ્યો છે કે તેઓ એવા દેશોથી આયાત થતા માલ પર ટેરિફ લાદવાની પ્રક્રિયા ફરી શરૂ કરે જે અમેરિકન ટેક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદી રહ્યા છે. અમેરિકાના આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે, કારણ કે ભારત ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ પાસેથી સમાનતા લેવી પણ વસૂલ કરે છે. તેને ગુગલ ટેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં 2016 માં ડિજિટલ વ્યવહારો એટલે કે ભારતમાંથી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા મેળવેલી આવક પર કર લાદવાના ઉદ્દેશ્યથી સમાનતા લેવી લાગુ કરવામાં આવી હતી. તેનો હેતુ બિઝનેસ-ટુ-બિઝનેસ વ્યવહારો પર કર લગાવવાનો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પણ ભારત પર એ જ ટેરિફ લાદશે જેવો ભારત અમેરિકન માલ પર લાદે છે.

- Advertisement -

આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા. ત્યારબાદ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટેરિફ અંગે ચર્ચા થઈ. ભારતે અમેરિકાથી આયાત થતી અમેરિકન વ્હિસ્કી જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડી દીધો હતો. ભારતે સુપર અમેરિકન બાઇક હાર્લી ડેવિડસન પર પણ ટેરિફ ઘટાડ્યો હતો. પછી એવું લાગતું હતું કે ટ્રમ્પની કડક ટેરિફ નીતિથી ભારતને રાહત મળશે.

આપણે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લગાવવાના છીએ – તેઓ અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, અમે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરીશું. પછી ભલે તે કંપની હોય કે દેશ, જેમ કે ચીન અને ભારત. અમે ન્યાયી બનવા માંગીએ છીએ, તેથી યુનાઇટેડ સ્ટેટ્સ પણ એ જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે.

ભારત અમેરિકામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રત્નો અને ઝવેરાત અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે. જો અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ઊંચા ટેરિફ લાદે છે, તો અમેરિકાના બજારમાં આ ઉત્પાદનોની કિંમત વધશે, જેના કારણે તેમની માંગ ઘટી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular