જામનગર શહેરમાં પંચેશ્વરટાવર જવાના રસ્તે આણદાબાવા ચકલા પાસે ગુરૂવારે બપોરના સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર દ્વારા અગાઉ થયેલી લૂંટમાં રજૂઆત કરવાનો ખાર રાખી શખ્સે યુવાનને ધકો મારી પછાડી દઇ પેન્ટના ખીસ્સામાં રહેલી રૂા.3000 ની રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ચૌહાણફળી વિસ્તારમારં રહેતાં પૂર્વ કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશભાઇ ડોલરભાઈ બારડ દ્વારા જૂન 2022 માં આણદાબાવા ચકલા વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનામાં સ્થાનિક આગેવાનોને સમર્થન આપી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતાં. આ બાબતનો ખાર રાખી પ્રિતેશ ઉર્ફે પિન્ટુ ભરત રાજપરા નામના શખ્સે ગુરૂવારે બપોરના સમયે આણદાબાવા ચકલા પાસે પંચેશ્ર્વરટાવર તરફ જવાના માર્ગ પર આકાશ બારડને આંતરીને ધકો મારી પછાડી દઇ તેના પેન્ટના ખીસ્સામાં રાખેલી રૂા.3000 ની રોકડ રકમની લૂંટ ચલાવી પલાયન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા લોકો એકઠાં થઈ ગયા હતાં. પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે આકાશ બારડના નિવેદનના આધારે પ્રિતેશ ઉર્ફે પિન્ટુ નામના શખ્સ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.