દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે શારદાપીઠ કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીના પ્રારંભમાં જ મીડિયાકર્મીઓને પ્રવેશવા દેવામાં ન આવતા ઉગ્ર વિરોધ થયો હતો. ત્યારબાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ઈવીએમ મશીનમાં છબરડો થયો હતો. જેમાં 13-મીઠાપુર જિલ્લા પંચાયતની બેઠકમાં તાલુકા પંચાયતના ઈવીએમ નીકળ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે 28 તારીખે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ત્યારબાદ આજે દ્વારકા શારદાપીઠ કોલેજ ખાતે કલેકટર ડો. નરેન્દ્ર મીના અને જિલ્લા પોલીસવડા સુનિલ જોશીના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રારંભમાં રાજ્ય સરકાર દ્વારા મીડિયાકર્મીઓને પ્રવેશવાની મનાઈ કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને કલેકટરને રજૂઆત બાદ મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જ્યારે 13-મીઠાપુર જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા તાલુકા પંચાયતના ઈવીએમ મશીન જિલ્લા પંચાયતની મત ગણતરીમાં નીકળ્યા હતાં. જેથી તંત્રની આ ગંભીર ભુલના કારણે ભારે હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ આ બેેઠક ઉપર રિકાઉન્ટીંગની માગણી કરવામાં આવી હતી.