રાજ્ય કે દેશમાં જ્યારે કોઇ મોટી દુર્ઘટના ઘટે છે ત્યારે લોકોનો રોષ અને આક્રોશ શાંત કરવા માટે જે-તે સરકારો દ્વારા તાબડતોબ તપાસ કમિટીઓ નીમીને તપાસનો આદેશ કરવામાં આવે છે. પરંતુ, કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસનો વિસ્તૃત રિપોર્ટ કયારેય સાર્વજનિક કરવામાં આવતો નથી. કયારેક-કયારેક રિપોર્ટસની હાઈલાઈટ્સ કોઇ અધિકારી કે મંત્રી દ્વારા મીડિયાને આપવામાં આવે છે. પરંતુ સંપૂર્ણ રીપોર્ટસ ફાઈલમાં દબાવીને રાખી દેવામાં આવે છે. જેને કારણે રિપોર્ટસની જીણામાં જીણી વિગતો લોકો સુધી પહોંચતી નથી. સમય જતાં બધુ ભુલાય જાય છે અને તપાસ સમિતિને રિપોર્ટની ફાઈલ અભેરાઈએ ચડી જાય છે. જેનું સત્ય પછી કયારેય બહાર આવતું નથી. ત્યારે આવી દુર્ઘટનાઓ માટે કોણ-કોણ જવાબદાર છે ? તેમજ દુર્ઘટનાના સાચા કારણો શું છે ? અને તપાસ સમિતિએ યોગ્ય દિશમાં તપાસ કરી છે કે કેમ? તે જાણવાનો અધિકાર આવી દુર્ઘટનાઓનો ભોગ બનેલી પ્રજાને હોય. આવા તમામ તપાસ રિપોર્ટ સાર્વજનિક થવા જોઇએ.
તાજેતરમાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગને ભયાનક દુર્ઘટનાના કારણો અને જવાબદારો શોધવા માટે રાજ્ય સરકારે આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે કરેલી તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં મોટું મોટું સરકારી તંત્રની લાપરવાહી અને અધિકારીઓની બેદરકારી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પરંતુ, આખા રિપોર્ટમાં કયાં કયાં મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ? તેમજ કઇ કઇ જગ્યાએ કયાં કયાં અધિકારીએ અને કર્મચારીએ લાપરવાહી દર્શાવી ? ભ્રષ્ટાચાર આચર્યો ? કે મીલી ભગત આચરી છે ? તે અંગેની વિસ્તૃત વિગતો આવી નથી. સરકારના ટેબલ પર મુકવામાં આવેલો આ સંપૂર્ણ તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે ખરો ? કે પછી અન્ય તપાસ રિપોર્ટની જેમ આ રિપોર્ટને પણ અભેરાઈમાં મૂકી દેવામાં આવશે ? આજ સુધી સરકાર દ્વારા એકપણ તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યા નથી. પછી તે સુરતનો તક્ષશિલા કાંડ હોય ? મોરબીનો ઝુલતો પુલ હોય ? કે પછી વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય. આ તમામ દુર્ઘટનાના તપાસ રિપોર્ટ સરકાર પાસે ઉપલબ્ધ છે. પરંતુ, એક પણ રિપોર્ટ જાહેર કરાયો નથી. જન હિત માટે અને લોકોને ન્યાય અપાવવા માટે તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન ઘટે તે માટે યોગ્ય પગલાં લઈ શકાય તે હેતુથી કરવામાં આવતી તપાસમાં કશું જ કોન્ફીડેન્શિયલ હોતું નથી. તો પછી શા માટે તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવા ન જોઇએ ?
તપાસ સમિતિના તમામ રિપોર્ટસ રાજ્ય સરકારે તેની વેબસાઈટ ઉપર સાર્વજનિક રીતે પ્રસિધ્ધ કરવા જોઇએ. જેથી લોકો પણ જાણી શકે કે દુર્ઘટના માટે કયા કારણો અને કયા વ્યક્તિઓ જવાબદાર છે ? લોકશાહીમાં લોકોને તે જાણવાનો અધિકાર પણ છે. માહિતી અધિનિયમ અંતર્ગત પણ લોકોને આ અધિકાર પ્રાપ્ત થયો છે. તો સરકાર શા માટે લોકોને તેના અધિકારથી વંચિત રાખી શકે? રાજકોટની દુર્ઘટના બાદ રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં ગેરકાયદે ફાયર એનઓસી કે અન્ય પરમીશન વગર ધમધમતા એકમો પર તૂટી પડવા તેમજ આવા તમામ સ્થાનોનો સર્વે કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને તેનો રિપોર્ટસ તૈયાર કરીને સ્થાનિક કક્ષાએ ઉચ્ચ અધિકારીને સોંપવા તથા રાજ્ય સરકારને સોંપવા જણાવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં પણ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જુદી જુદી ટૂકડીઓ બનાવીને શહેરમાં ચાલતા ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોસ્પિટલો, શાળાઓ, ટયુશન કલાસ, મોલ, થીયેટરો, ધાર્મિક સ્થાનો, રેસ્ટોરન્ટો, સમાજની વાડીઓ સહિતની તમામ એવી જગ્યાઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યાં ફાયર સેફટી, બાંધકામની પરમીશન, સહિતની મંજૂરીઓની ચકાસણી કરવી તેનો રિપોર્ટ કમિશનરને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે ? ત્યારે જામનગરમાં કમિશનરને સોંપવામાં આવનારો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે ખરો ?
જો આ પ્રકારના રિપોર્ટસ સાર્વજનિક કરવામાં આવે તો લોકો પણ ભવિષ્યમાં સરકાર કે તેના જુદા-જુદા તંત્રનો કાન આમળી શકે. રિપોર્ટ બાદ શું પગલાં લેવામાં આવ્યા? તેનો જવાબ તંત્ર અને સરકાર પાસે માંગી શકે. પરંતુ, જો લોકો જાગૃત્ત થઈ જાય તો તો સરકારને મુશ્કેલી પડે. તેમજ મળતિયાઓના થાબડભાણા પણ ન થઈ શકે. બેદરકારી પર ઢાંકપીછોડો ન થઈ શકે. આવા અનેક કારણો સરકારની બોલતી બંધ કરી શકે તેમ હોય મોટા ભાગે આવા રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવતા નથી. દુર્ઘટનાના દરેક રિપોર્ટ સાર્વજનિક થાય તે માટે સરકારે નીતિ જાહેર કરવી જોઇએ અને પારદર્શક વહીવટનો દાખલો બેસાડવો જોઇએ.