દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દેશના અનેક શહેરોમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, છેલ્લા નવ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત આજે 89.54 રૂપિયા છે અને ડીઝલ પ્રતિ લીટર 79.95 રૂપિયે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને 96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમત વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ સાથે જોડાયેલી છે. એટલે કે જો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમત ઓછી હશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે. જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થાય, તો પેટ્રોલ-ડીઝલ માટે વધુ ખર્ચ કરવો પડશે. પરંતુ દર વખતે આવું થતું નથી. જયારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થાય છે, ત્યારે તેનો ભાર ગ્રાહકો પર પડે છે. પરંતુ જયારે ક્રૂડ ઓઇલની કિંમત ઓછી હોય છે ત્યારે સરકાર તેની આવક વધારવા માટે ગ્રાહકો પર ટેકસ લાદી દે છે. આ રીતે, વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે લોકોને કોઈ વિશેષ રાહત મળતી નથી.