જામનગર સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી તા.16 ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જાહેરાત કરી છે. ગુજરાતના તમામ બાર એસો.ના પ્રમુખ અને સેક્રેટરીને પત્ર થકી ચૂંટણી યોજવા અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સૂચના આપી દીધી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ એચ. ઝાલા, વાઇસ ચેરમેન રમેશચંદ્ર એન.પટેલ, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન સી.કે. પટેલની યાદીમાં જણાવ્યા મુજબ તમામ બાર એસોસિએશનોમાં શિસ્તબધ્ધ ચૂંટણી પ્રક્રિયાઓ પુરી પાડવા માટે બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ , 2015 મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા.16/10/2022 ના રોજ મળેલ અસાધારણ સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ તમામ બાર એસોસિએશનમાં તા.16/12/2022ના રોજ ચૂંટણી યોજવાની રહેશે. વધુમાં જણાવ્યું કે, બાર એસો.ની ચૂંટણી સંદર્ભે ગુજરાત બાર એસોશિએસનોના નિયમો, 2015 ના નિયમ -49 મુજબ તમામ બાર એસો.એ ચૂંટણીની પ્રક્રિયા ફરજીયાત રીતે હાથ ધરવાની રહેશે. જેની પેટા – કલમ – સી મુજબ ચુંટણીની તારીખથી એક માસ અગાઉ ચૂંટણી અને ચુંટણી અધિકારીની નિમણુંક બાર એસોશિએસનની કારોબારી સમિતિએ જાહેર કરવાની રહેશે.
નિયમ મુજબ ચૂંટણીની તારીખથી એક માસ અગાઉ ચૂંટણી અને ચૂંટણી અધિકારીઓની નિમણૂંક જાહેર કરશે.એસોસિએશનના જનરલ સેક્રેટરી ચૂંટણી જાહેર કરતા અગાઉ ચૂંટણી અધિકારીઓના નામ સાથે ચૂંટણી અંગે બાર કાઉન્સિલને જણાવશે. ચૂંટણી અધિકારી બાર એસોસિયેશનનો ચૂંટણીની વિસ્તૃત કાર્યક્રમ બાર કાઉન્સિલને મોકલી આપશે. ચૂંટણી અધિકારી ચૂંટણી યોજવા ચૂંટણીનો કાર્યક્રમ તૈયાર કરશે.
મતદાર યાદીનું પ્રકાશન થશે અને મતદાર યાદીનું નોટિસ બોર્ડ પર મુકાશે. જો કોઇ વાંધા હોય , તો તે વિચારણમાં લીધાં પછી, મતદારોની છેવટની યાદી જાહેર થશે અને ઉમદેવારી કરવાની તારીખ નક્કી થયા પછી ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ પણ નક્કી કરાશે. ઉપરાંત વન બાર વન વોટ મુજબ જ મતદાન થશે.