Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયમાર્ચના બીજા સપ્તાહમાં થઇ શકે છે ચૂંટણીની જાહેરાત

માર્ચના બીજા સપ્તાહમાં થઇ શકે છે ચૂંટણીની જાહેરાત

- Advertisement -

દેશભરમાં જે ચૂંટણીની આતુરતાપૂર્વક ઇંતેજારી છે તે લોકસભા 2024ની ચૂંટણીનું કાઉન્ટટાઉન શરૂ થઇ ચુકયુ છે. ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની પ્રવૃતિનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઇલેક્શન કમિશન મોટાભાગે 8 મી માર્ચના રોજ (માર્ચ મહિનાના બીજા અઠવાડીયામાં) લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. જ્યારે મતદાનનો પ્રથમ તબકકો એપ્રિલના બીજા અઠવાડીયે 10મી એપ્રિલે યોજાવવાની પુરેપુરી શકયતા છે.

- Advertisement -

ઇલેક્શન કમિશનના આધારભૂત વર્તુળોમાંથી મળેલ જાણકારી મુજબ લોકશાહીના મહાપર્વ એવી લોકસભા 2024ની તૈયારીએ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની જાહેરાત લગભગ 8મી માર્ચથી 10મી માર્ચ વચ્ચે કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી મોટાભાગે સાત તબક્કામાં યોજાશે.જ્યારે મતગણતરી મે મહિનાના ચોથા અઠવાડીયે રાખવામાં આવશે.લોકસભાની ચૂંટણી 2024ને આખરી ઓપ આપવા માટે ઇલેક્શન કમિશનના ઉચ્ચ અધિકારીઓ દિવસ-સાત કાર્યરત છે. આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન દ્વારા દિલ્હી ખાતે રાઉન્ડ-ધ-કલોક ઇલેક્શન વોર રૂમ પણ શરૂ કરવાની જાહેરાત કરશે. તદ્ઉપરાંત ઇલેક્શન કમિશનની ટીમ દેશભરના તમામ રાજયોમાં એક ખાસ ટીમ ફેબ્રુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડીયે મોકલશે જે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવાનું કામ કરશે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં સિંગલ ફેઝમાં ચૂંટણી યોજાશે. એટલે કે લોકસભાની તમામ 26 બેઠકો ઉપર એક જ દિવસે મતદાન થશે. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર મોટાભાગે 16મી અથવા 17 મી એપ્રિલે મતદાન યોજાશે. ગુજરાત ઉપરાંત હરીયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને ગોવા જેવા રાજયોમાં પણ સિંગલ ફ્રેઝમાં ચૂંટણી યોજાશે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને નોર્થ ઇસ્ટના કેટલાક રાજયોમાં (આસામ સિવાય) બે તબક્કામાં મતદાનની તારીખો ગોઠવાશે. જ્યારે મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, ઝારખંડ અને છત્તીસગઢ ખાતે ત્રણ તબક્કાઓમાં ચૂંટણી યોજાવાની પુરેપુરી શકયતાઓ ઇલેક્શન કમિશન દ્વારા ચકાસવામાં આવી રહી છે. સૌથી મહત્વના એવા બેઠકની દ્રષ્ટિએ વિશાળ રાજયો ઉત્તર પ્રદેશ, બિહાર, પરૂમિ બંગાળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરાલા જેવા રાજયોમાં ચારથી સાત તબક્કાઓમાં મતદાનની તારીખો ગોઠવાઇ તેવા એંધાણ વરતાઇ રહ્યા છે.ઇલેકશન કમિશનના ઉચ્ચ અધિકારીઓ હાલ દરેક રાજયની ભૌગોલિક પરિસ્થિતિઓ, હવામાન વિભાગની એપ્રિલ અને મે મહિનાની આગાહીઓ ઉપરાંત દરેક રાજયમાં શાળા-કોલેજની પરિક્ષાઓ, લગ્ન જેવા પ્રસંગોની શુભ મુર્હુતોની તારીખો અને દરેક રાજ્યના સામાજિક કાર્યક્રમોની તારીખો અંગે ઝીણવટભર્યો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા રાજયો-વિસ્તારો અને મતદાન મથકોની અલગ યાદી બનાવીને આ વિસ્તારોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે ઇલેક્શન કમિશનની એક ખાસ ટીમ કાર્યરત છે. ઇલેક્શન કમિશનના આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે કે, દેશભરની શાળા-કોલેજોની વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડીયામાં આટોપી લેવામાં આવશે. પરિણામે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલ-કોલેજોમાં સરળતાપૂર્વક મતદાન મથક ગોઠવી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular