ગુજરાત વિધાનસભામાં 1પ6 બેઠકની પ્રચંડ બહુમતિ મળ્યા બાદ ભાજપાએ નવી સરકાર રચવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ગઇકાલે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારે રાજીનામું આપ્યા બાદ આજે ગાંધીનગર કમલમમાં ભાજપની વિધાયક દળની બેઠક યોજાઇ હતી જેમાં ભૂપેન્દ્ર પટેલને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવી સરકારની રચનાની સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ભાજપે તેના ત્રણ કેન્દ્રિય નિરીક્ષકોને ગુજરાત મોકલ્યા છે. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિયમંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો સમાવેશ થાય છે. આ ત્રણેય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઇ રહી છે.
દરમ્યાન 12 ડિસેમ્બરે યોજાનારી શપથવિધીમાં પ્રધાનમંડળના સભ્યોની પસંદગી માટેની મથ્થાપચી પણ શરૂ કરી દેવામાં આવી છે. નિયમ અનુસાર નવી સરકારના પ્રધાનમંડળમાં કુલ 27 મંત્રીઓ બનાવી શકાય છે. પ્રધાનમંડળની પસંદગી અને નામોની ચર્ચા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આજે બપોર બાદ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર નવી સરકારના પ્રધાનમંડળમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી શકે છે. જે અનુસાર જામનગર અને દ્વારકા જિલ્લાને પણ મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ મળવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જામનગરમાંથી ગત ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિમંત્રી તરીકે ફરજ બજાવનાર રાઘવજી પટેલને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. રાઘવજી પટેલે આ વખતની ચૂંટણીમાં જંગી લીડથી જીતીને એ મ્હેણું ભાંગ્યું હતું કે, રાજયના કૃષિમંત્રી કયારેય જીતતા નથી. કૃષિમંત્રી તરીકેની તેમની કામગીરી પણ સારી રહી હતી. તે જોતાં ફરીથી તેમને મંત્રી બનાવવામાં આવી શકે છે. એટલું જ નહીં એક ધારાસભ્ય અને મંત્રી તરીકેનો તેમનો લાંબો અનુભવ પણ કામ આવી શકે છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ વિક્રમ માડમને હરાવીને વિજેતા બનેલાં મુળુભાઇ બેરાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મુળુભાઇ અગાઉ પણ મંત્રી રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ જુદા-જુદા બોર્ડ અને નિગમના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમના અનુભવનો પણ લાભ લઇ પક્ષના મોવડીઓ જ્ઞાતિના સમીકરણો બેસાડવા પ્રયાસ કરશે. ચા ઉપરાંત યુવા ચહેરા તરીકે જામનગર શહેરની બન્ને બેઠકો પરથી જંગી લીડથી વિજય બનેલા બન્ને યુવા ઉમેદવારો જામનગર દક્ષિણના દિવ્યેશ અકબરી અને જામનગર ઉત્તરમાંથી ચૂંટાયેલા રિવાબા જાડેજાના નામની પણ મંત્રી મંડળમાં સમાવેશ માટે ચર્ચાઓ ચાલી રહી છે. યુવાઓને તક આપવાની સ્ટેટ્રેજીના ભાગરૂપે જામનગરના આ બન્ને યુવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તો કોઇને આશ્ર્યર્ચ નહીં થાય.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ વિજય રૂપાણીની સરકારમાં પણ જામનગરના આર.સી. ફળદુ અને હકુભા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમની અગાઉની સરકારમાં જામનગરમાંથી વસુબેન ત્રિવેદીને મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે જોતાં નવા મંત્રીમંડળમાં પણ જામનગરને સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવાઇ રહી છે.
નવી સરકારમાં કેટલાક જુના મંત્રીઓ સાથે નવા ચહેરાઓ પણ જોવા મળી શકે છે. જેમાં ગત સરકારના હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણીનો નવી સરકારમાં પણ સમાવેશ થઇ શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરીને પણ કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે. જેનું ઈન્ડીકેશન ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પહેલાં જ આપી ચૂકયા હતા. આ ઉપરાંત યુવા ચહેરાઓમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનો પણ સમાવેશ થઇ શકે છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં નેતાની પસંદગીની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ બપોરે રાજયપાલ સમક્ષ નવી સરકાર રચવા દાવો રજૂ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ કેબિનેટને અંતિમરૂપ આપવા માટે મોવડીઓને મળવા દિલ્હી જવા રવાના થશે. જયાં મંત્રીઓના નામો ફાઇનલ થઇ ગયા બાદ સોમવારે બપોરે ગાંધીનગરમાં ભવ્ય શપથવિધી સમારોહ યોજાશે.