કાલાવડ તાલુકાના મૂળિલા ગામમાં રહેતાં વૃધ્ધાની ચાર વર્ષથી માનસિક બિમારીની સારવાર ચાલુ હતી તે દરમ્યાન જમણાં પગની ઘૂટીમાં કરાવેલ ઓપરેશન બાદ બિમારી સહન ન થતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના ધ્રાગડા ગામથી ખારવા તરફ જવાના રસ્તામાં આવેલાં સરપંચના કુવામાં પડી જતાં માલધારી યુવકનું ડુબી જવાથી મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના મૂળિલા ગામમાં રહેતાં પમીબેન મોહનભાઇ ચાવડા(ઉ.વ.65) નામના વૃધ્ધાને છેલ્લાં ચાર વર્ષથી માનસિક બિમારી હોય જેની સારવાર ચાલુ હતી તે દરમ્યાન જમણાં પગની ઘૂટીનું ઓપરેશન કરાવ્યું હતું. બિમારી સહન ન થવાથી જીંદગીથી કંટાળીને સોમવારે સવારના સમયે પમીબેને તેણીના ઘરે લાકડાંની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્ર દ્વારા જાણ કરતાં હેકો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના ધ્રાગડા ગામથી ખારવા તરફ જવાના રસ્તામાં આવેલાં રમેશભાઇ સરપંચના કુવામાં સોમવારે બોપોરના સમયે રતેશકુમાર કાનજીભાઇ બાંભવા(ઉ.વ.18) નામનો યુવક કોઇ કારણસર કુવામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજયું હતું. આ અંગેની મૃતકના પિતા કાનજીભાઇ દ્વારા જાણ કરતાં હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.