ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે. કાલે રાજ્યમાં કોરોનાના 91 કેસ નોંધાયા હતા. તો ઓમીક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધીને 23 થઇ છે. ગુજરાતની શાળાઓમાં કોરોનાની એન્ટ્રીના પરિણામે તંત્ર સહીત વાલીઓ ચિંતામાં મુકાયા છે. અને શાળાઓ બંધ કરવાની માંગ ઉઠી રહી છે.
શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં શાળાઓ બંધ કરવામાં આવશે નહી. અને જે વિદ્યાર્થીઓએ શાળાએ ન આવવું હોય તેમના માટે ઓનલાઈન અભ્યાસક્રમ પણ ચાલુ જ છે. અને શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીની સહમતી પહેલાથી જ લેવામાં આવી છે. શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને વિકલ્પ રહેશે. ઉપરાંત શાળાઓમાં કોરોના ન ફેલાય તે માટે ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. અને હજુ પણ જે વિદ્યાર્થીઓ શાળાએ જાય છે તેમના વાલીઓની સહમતી લેવામાં આવશે. તમામ જીલ્લાઓમાં ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે.
આજે રોજ આરોગ્ય સચિવે પણ શાળાઓમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને નિવેદન આપ્યું છે કે બાળકોનું વેક્સીનેશન થયું નથી એટલે સર્તકતા જરૂરી છે. જો વિધાર્થી કોરોના સંક્રમિત થાય તો તેના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવે છે. શિક્ષકો અને તંત્રને પણ તાલીમ આપવામાં આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધુ સુરતમાં 18 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. અગાઉ જામનગર શહેરમાં એક વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો દ્વારકા જીલ્લાની એક શાળામાં પણ એક વિધાર્થી કોરોના પોઝીટીવ છે.