બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિધાર્થીઓ અને શિક્ષણવિભાગ દ્રારા તૈયારીઓ પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે. આગામી 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા લેવાશે. તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા પરીક્ષાની તૈયારીઓ અને ફરજ પરના કર્મચારીઓને તાલીમ , માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર તથા સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. આગામી તા.27/2/2025થી બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાને લઈને દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ બેઠકમાં શિક્ષણમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્ત, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ કર્મચારીઓને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટની વ્યવસ્થાઓ પૂરી પાડવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓ સાથે પરીક્ષાના સંપૂર્ણ આયોજન બાબતે ચર્ચા કરી હતી જેમાં, કાયદો અને વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો જળવાઈ રહે, વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકે તે માટે એસ.ટી.બસોની વ્યવસ્થા, આરોગ્યની સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થા, કાઉન્સિલિંગ સેન્ટર બાબતે ચર્ચા કરી વિદ્યાર્થીઓ ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધો.10ની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરી થી તા.10 માર્ચ, ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરીથી તા.17 માર્ચ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા.27 ફેબ્રુઆરીથી તા.10 માર્ચ સુધી યોજાશે. જામનગર જીલ્લામાં ધો.10માં 17232 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 8618 તથા વિજ્ઞાન પ્રવાહમાં 1738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા કુલ 59 પરીક્ષા કેન્દ્ર પર 850 બ્લોકમાં લેવાશે. તેમજ ધોરણ 12ની પરીક્ષા 36 પરીક્ષા કેન્દ્ર પર 367 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.
આ વિડીઓ કોન્ફરન્સમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જીલ્લા શિક્ષણ અધિકારી વી.જે.મહેતા, પરીક્ષા સમિતિના સદસ્યો, સબંધિત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.