રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે એક નવી પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ગમે તે ઘડીએ આ જંગ પરમાણુ યુદ્ધમાં પલટાઈ શકે તેવી દહેશત છે. બીજી તરફ ભારતીય ઉપખંડમાં પણ પરિસ્થિતિ ઝડપથી પલટાઈ રહી છે. દેવાદાર બની ગયેલા પાકિસ્તાનમાં આંતરવિગ્રહ ફાટી નીકળે તેવી પૂરી શક્યતા છે.
નાણાંકીય સહાય મેળવવાના પાકિસ્તાન સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે તેઓ છેલ્લી પાયરીએ જઈ બેઠા છે. મુસ્લિમ દેશોએ પણ ભીખનો કટોરો લઈને ફરતા શરીફ સાહેબ સામેથી મોં ફેરવી લીધું છે. આ સંજોગોમાં નાણા ક્યાંથી મેળવવા તેની વેતરણમાં પડેલા પાક નેતાઓ અણુબોમ્બ વેંચવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ બાબતોના જાણકાર જૈદ હમીદે એવું સ્ફોટક નિવેદન કર્યું છે કે આપણા શસ્ત્રાગારમાં 150થી 200 અણુબોમ્બ છે. તેમાંથી પાંચ-સાત અણુબોમ્બ ઈરાન, સાઉદી આરબ કે તુર્કી જેવા દેશને વેંચી મારીને પૈસા ઊભા કરી શકાય. જો ભારત તેના શસ્ત્રો નિકાસ કરી શકતું હોય તો આપણને અણુબોમ્બ એક્સપોર્ટ કરતાં કોણ રોકી શકે. વળી પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય અણુસંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. તેની આપણે યોગ્ય કિંમત આપવા તૈયાર હોય તેને અણુબોમ્બ વેંચી શકીયે. જૈદ હમીદના આ નિવેદને તાલિબાનથી લઈને બીજા ત્રાસવાદી સંગઠનોને રસ લેતા કર્યા છે. વિવિધ આતંકવાદી જૂથો વર્ષોથી એકાદ અણુશસ્ત્ર મેળવવાની ફિરાકમાં છે. જો એ હાથ લાગે તો અમેરિકા, ફ્રાન્સ કે બ્રિટન જેવા દેશોને સીધા દોર કરી શકાય તેવો ઈરાદો તેઓ ધરાવે છે. જૈદ હમીદે અણુબોમ્બ વેંચવાની વાત જાહેરમાં કરી તે પાછળની તેની ગણતરી એવી હોય કે પશ્ચિમી દેશો બીજા કોઈના હાથમાં અણુબોમ્બ જતો રોકવા લાગોલાગ પાકિસ્તાનને આર્થિક સહાય કરવા દોડી આવે. કદાચ આ ઉદ્દેશ સાથે સહમત થતા હોય એ કારણસર જ પાકિસ્તાનની ટોચના નેતાગીરીએ હમીદના નિવેદન પર કોઈ ટકોર કરી નથી.