યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ દ્વારકા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં ઇસ્કોન ગેટની બાજુમાં આવેલા વિશ્રામ ગૃહ નજીકના વિશાળ મેદાનમાં યોજવામાં આવેલો આ દ્વારકા ઉત્સવ કાર્યક્રમ રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જન્માષ્ટમીના પાવન પર્વે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, “પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હું સૌનું સ્વાગત કરું છું. જન્માષ્ટમી પર્વ પર લાખો ભક્તો દ્વારકા પધારતા હોય છે. ત્યારે નાગરિકોને ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ એટલે દ્વારકા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દ્વારકા પ્રવાસન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. દ્વારકાની ભૂમિ આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત થાય તે હેતુથી દ્વારકા કોરિડોરનું પણ નિર્માણ કરવામાં આવશે. જેને કારણે આજીવિકા પ્રાપ્ત થશે તેમજ ઉદ્યોગોનો વિકાસ થશે. જેનો લાભ દ્વારકાવાસીઓને પ્રાપ્ત થશે.”
આ પ્રસંગે હાલારના સાંસદ પૂનમબેન માડમે સૌને આવકારતા જણાવ્યું હતું કે, ’જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાની ધરતી પર સંસ્કૃતિને ઉજાગર કરતા દ્વારકા ઉત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના શિખરો સર કરી રહ્યું છે. આજે સમગ્ર વિશ્ર્વ નજર ભારત દેશ પર છે કેમ કે જી-20 જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન બેઠક ભારતમાં યોજાઈ રહી છે જે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારતે વિશ્ર્વને વસુધૈવ કુટુમ્બકમ’ વિભાવના આપી છે.”
દ્વારકા ઉત્સવના દ્વિતીય દિવસે હાસ્ય કલાકાર સાંઈરામ દવે, લોક ગાયિકા સેજલબેન ચારણ, તેમજ દ્વારકાના ઝાંઝરી કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ દ્વારા ભગવાન કૃષ્ણના જીવન આધારિત લોકગીત, પદો, પારંપરિક લોકગીતોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, પી.એસ.જાડેજા, લુણાભા સુમણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.