જામનગર શહેરમાં ખોડિયાર કોલોની, રિલાયન્સ પેટ્રોલ પંપ સામેના રોડ ઉપર પસાર થતાં એક્ટિવાને ડમ્પરચાલકે ઠોકર મારી હડફેટ લેતાં માતા-પુત્રીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કામદાર કોલોની, શેરી નંબર સાતમાં રહેતાં રોહિણીબા ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના મહિલા સોમવારે સવારના સમયે તેમના જીજે10 ડીજી 8703 નંબરના એક્ટિવા પર તેમની પુત્રી કાવ્યાનીબા જાડેજાને પાછળ બેસાડી ઘરેથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે જતા હતા. તે દરમ્યાન ખોડિયાર કોલોની, રિલાયન્સ પેટ્રોલ પંપ સામેના હોન્ડા શો રૂમની સાઇડમાં રોડ પરથી પસાર થતાં હતા ત્યારે પાછળથી બેફિકરાઇથી અને પૂરપાટ આવી રહેલા જીજે10 ટીવાય 8680 નંબરના ડમ્પરચાલકે એક્ટિવાને ઠોકર મારતા મહિલાને આંખમાં તથા મોઢાના ભાગે અને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. પાછળ બેસેલી પુત્રીને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ અંગેની ઇજાગ્રસ્ત મહિલાના પતિ ધર્મેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ ડમ્પરચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.


