પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામ્ય) અંતર્ગત તા.ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર મુકામે વડાપ્રધાનના હસ્તે રૂ. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલ આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર 42,441 આવાસોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાનાર છે. જેના જીવંત પ્રસારણ તથા લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમની સાથે સાથે જામનગર મહાનગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગુજરાત ગૌરવ દિવસ તા.1-05-2023ના રોજ જામનગર ખાતે થયેલ રાજ્ય કક્ષાની ઉજવણીના શુભ અવસરે મુખ્યમંત્રીના હસ્તે જેનું લોકાર્પણ થયેલ છે એવી બેડી રેલ્વે ઓવેરબ્રીઝ પાસે આવેલી વીર સાવરકર ભવન આવાસ યોજના ખાતે તા.12ના રોજ સવારના 10:30 કલાકથી બપોરના 2 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારના 11 કલાકે જામનગરના સાંસદ, શહેર તથા જિલ્લાના ધારાસભ્યો તથા તમામ પદાધિકારીઓ સહીત મ્યુનિસિપલ સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસ યોજનાના 3 મહિલા લાભાર્થીઓને ચાવી વિતરણ તથા પોતાની રીતે સરકારની રૂ. 3.50 લાખની સીધી સહાયથી ઘર બનાવનાર 2 મહિલા લાભાથીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ, ગોલ્ડન સીટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રગતિમાં છે તેવી EWS – 2 544 આવાસ યોજના અંતર્ગત આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે અને ડ્રો બાદ તે જ દિવસે સાંજે 5 કલાકે આવાસ યોજનાની સાઈટપર તેમજ જામનગર મહાનગરપાલિકાની ચોથા માળ પર આવેલ સ્લમ શાખાના નોટીસ બોર્ડ પર તેમજ જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ WWW.MCJAMNAGAR.COM ના હોમ પેજ પર અપલોડ કરવામાં આવશે અને જે લાભાર્થીઓના નામ પસંદગી યાદીમાં આવશે તેવા તમામ 544 લાભાર્થીઓને જરૂરી આધાર પુરાવાઓ રજુ કરવા માટે 15 દિવસની મુદ્દત સાથે લેખિત પત્રથી તેઓના સરનામાં પર પોસ્ટ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજનાનાર ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ-ગૃહ પ્રવેશના રાજ્ય કક્ષાના કાર્યક્રમની સાથે સાથે જામનગર શહેરમાં 1500 થી વધુ લોકો આસાનીથી આ કાર્યકમને નિહાળી શકે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરી શકે તે રીતે રાજ્ય સરકાર કક્ષાએથી આપવામાં આવેલ સુચના મુજબ સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન થાય તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર અને જામનગર મહાનગર પાલિકાના વિવિધ વિભાગોની ટીમે જહેમત ઉઠાવી છે ત્યારે આ કાર્યકમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર શહેરની જાહેર જનતાને અનુરોધ કરાયો છે.