વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ’પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પીએમે કહ્યું કે પરીક્ષાનું ટેન્શન ન હોવું જોઈએ. પરીક્ષાને તહેવાર બનાવી દઈશું તો તે રંગીન બની જશે.
એક વિદ્યાર્થીએ સવાલ પૂછયો હતો કે, બે વર્ષ ઓનલાઈન શિક્ષણ લેવાની સાથે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને ગેમ્સની લત પડી ગઈ છે, તેમાંથી કેવી રીતે બહાર નિકળવું. જેના જવાબમાં મોદીએ કહ્યું તમારી જાતને પૂછો કે તમે ઓનલાઈન રિડિંગ કરો છો ત્યારે વાસ્તવમાં રિડિંગ કરો છો કે રીલ જુઓ છો. હું તમને હાથ ઉપર નહીં કરાવું. પરંતુ તમે સમજી ગયા છો કે મેં તમને પકડી લીધા છે. પ્રશ્ન ઓનલાઈન -ઓફલાઈનનો નથી. તમે ક્લાસ રૂમમાં હશો તો પણ તમારો ચહેરો શિક્ષક સામે હશે પણ મન બહાર હશે તો અહીં પણ આજ પ્રશ્ન થશે. માધ્યમ નહીં મન સમસ્યા છે. માધ્યમ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય પણ મારું મન તેની સાથે જોડાયેલું હશે તો ઓનલાઈન-ઓફલાઈનનો કોઈ ફરક નહીં પડે. યુગ બદલાય તો માધ્યમ પણ બદલાશે. પહેલા ગુરૂકુળમાં તો પુસ્તકો પણ ન હતા.
બાદમાં પુસ્તકો આવવા લાગ્યા. આ પરિવર્તન સતત ચાલે છે. આજે આપણે ડિજિટલ ગેજેટના માધ્યમથી સરળતાથી વસ્તુઓ મેળવી રહ્યા છીએ. આને આપણે સમસ્યા નહીં તક માનવી જોઈએ. ઓનલાઈન જ્ઞાન મેળવવાનું માધ્યમ છે. મોદીએ કહ્યુ હતુ કે પરીક્ષા આપતા-આપતા આપણે એક્ઝામ પ્રૂફ બની ગયા છીએ, સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર જ નથી. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે તેઓ આ વર્ષે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છે. સમય મર્યાદા પૂરી થયા પછી પણ તે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોના જવાબ આપશે. આ માટે ટેક્સ્ટ, નમો એપ વગેરેની મદદ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેએ પીએમ મોદીને ઓનલાઈન શિક્ષણ પર પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે ઓનલાઈન શિક્ષણ પડકારજનક છે.