દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા જામનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આવેલી પવનચક્કીના ટાવરોમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન અર્થિંગના કેબલ કોપર વાયરની ચોરી થયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા સ્ટાફ દ્વારા કામગીરી કરી અને આ પ્રકરણમાં રીઢા તસ્કરોની ગેંગ દબોચી લીધી હતી.
એલસીબી પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં અવારનવાર ચોરી કરવાની કુટેવ ધરાવતા શખ્સો સામેની માહિતી એકત્ર કરી, આવા શખ્સો પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુનાહિત કાવતરા રચી, ગેંગ બનાવી અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં અવારનવાર ઘરફોડ ચોરી, વાહન ચોરી વિગેરે જેવા ગુનાઓને અંજામ આપતા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં પોલીસે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે હાલ રહેતા નવાઝ જુમા દેથા (ઉ. 27) અને પીર લાખાસર ગામના આમીન સુલેમાન ખફી (ઉ. 43) નામના બે શખ્સોને દબોચી લઈ, તેઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા નવાઝ જુમા સામે અહીં સાત ગુનાઓ તથા આમીન સુલેમાન સામે ખંભાળિયા પોલીસમાં ત્રણ ગુના નોંધાયા હોવાનું ખુલવા પામ્યું હતું.
તેની સાથે ઝડપાયેલા અન્ય ચાર શખ્સોની પણ પોલીસે અટકાયત કરી, કુલ રૂપિયા 1.69 લાખનો મુદ્દામાલ કબજે કરી, એલસીબી પોલીસ દ્વારા આવા ગુના બનતા અટકે તે હેતુથી વર્ષ 2011 થી હાલ સુધીમાં આરોપીઓએ કરેલી ચોરીઓ સંદર્ભેની દાખલારૂપ કાર્યવાહીમાં આ બંને આરોપીઓ નવાઝ તથા આમીન સામે ગેંગ કેસની કલમ 401, 34 તથા 120 (બી) મુજબ કામગીરી કરી, વધુ કાર્યવાહી અર્થે આ બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.
આ કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, સચિનભાઈ નકુમ, ભરતભાઈ, સુનિલભાઈ, ધર્મેન્દ્રસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.