જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારમાં જાહેર જનતાના જીવને જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ડીઝલ-પેટ્રોલ કાઢવાના કારોબાર પર ધ્રોલ પોલીસે સફળ દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી પેટ્રોલ-ડીઝલથી ભરેલા કેરબા, ટેન્કર, કાર, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 32,49,499નો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધ્રોલ-લતીપર હાઈવે પર આવેલા ગોકુલપરા, લતીપર નજીક જાહેર જગ્યામાં કેટલાક ઈસમો પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરનું સીલ તોડી પ્લાસ્ટિકની પાઈપ મારફતે કારમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબામાં ઈંધણ ભરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
View this post on Instagram
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બે શખ્સો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ-પેટ્રોલ કાઢી કારમાં ભરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ખુલ્લી જગ્યામાં અત્યંત બેદરકારીપૂર્વક આ કામગીરી કરવામાં આવતી હોવાથી આગ કે અન્ય દુર્ઘટના સર્જાઈ અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
પોલીસે સ્થળ પરથી પેટ્રોલ અને ડીઝલથી ભરેલા ચાર પ્લાસ્ટિક કેરબા, એક ટેન્કર, એક કાર, મોબાઇલ ફોન તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ. 32,49,499નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં મોરબી જિલ્લાના વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે રહેતા મયુરભાઈ રામભાઈ બાલસરા (ઉ.વ. 28) તથા હાલ લાલપુર તાલુકાના પડાણા ગામે રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના સોમાભાઈ વકુભાઈ નાંગેશ (ઉ.વ. 40)નો સમાવેશ થાય છે. બંને ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 287 અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગેરકાયદે ઈંધણ કોના માટે કાઢવામાં આવતું હતું, તેની પાછળ કોઈ મોટું રેકેટ કાર્યરત છે કે કેમ અને અગાઉ પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


