જુનાગઢમાં દર વર્ષે દેવદિવાળીના દિવસે મધ્યરાત્રીથી પરીક્રમા શરુ થાય છે. આ વર્ષે 400 સાધુ સંતો પરિક્રમા કરવાના હતા તેવો નિર્ણય લેવાયો હતો પરંતુ ગઈકાલના રોજ નિર્ણયને પાછો ખેંચીને ભક્તોને પરીક્રમા કરવાની છુટ આપવામાં આવી છે. પહેલા જ દિવસે 50હજાર જેટલા ભક્તો પરિક્રમા માટે પહોચ્યા છે.
કોરોનાના કારણે સતત બીજા વર્ષે સામાન્ય લોકો માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. પરંતુ ગઈકાલે હજારોની સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે પહોચતા તાત્કાલિક નિર્ણય બદલીને લોકોને છુટ આપવામાં આવી છે. હવે 400-400ના લોકોના જૂથમાં તા.19 સુધી પરિક્રમા કરવા દેવામાં આવશે. તંત્રએ નિર્ણયમાં કરેલા ફેરફાર મુજબ માત્ર 400 ના બદલે 400-400 ના જૂથમાં પરિક્રમા કરી શકશે.
આ સમાચાર મળતા જ ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધીમાં 50 હજાર જેટલા ભાવિકો પરિક્રમા રૂટ ઉપર પહોચ્યા હતા. પરંતુ ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.