ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલની ડીપ્લોમા ઈન સીવીલ એન્જીનિયરીંગ ડિગ્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી 9 સુધીનો અભ્યાસ, જામજોધપુર બેઠકના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયા બી.કોમ, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા મિકેનિકલ એન્જીનિયરીંગ, 69-રાજકોટ પશ્ચિમની બેઠકના ઉમેદવાર ડો. દર્શિતા પારસ શાહ એમ.ડી. પેથોલોજી ડોકટર, 71-રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર ભાનુબેન મનોહરભાઈ બાબરિયા બી.એ.એલએલબી,141-વડોદરા શહેરે વિધાનસભાના ઉમેદવાર મનિષાબેન રાજીવ વકીલે એમ.એ.,બી.એડ-પીએચડી, 56-અસારવા બેઠકના દર્શનાબેન વાઘેલા બી.કોમ, 47-નરોડાના ઉમેદવાર પાયલબેન મનોજકુમાર કુકરાણી એમ.ડી. એનેસ્પીસીયા ડોકટર, 48-ઠકકરબાપાનગર બેઠકના ઉમેદવાર કંચનબેન વિનુભાઇ રાદડિયા ધો.10 સુધીનો અભ્યાસ ધરાવે છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્લુગલ વાગી ગયું છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. બીજેપી અને કોંગે્રસ સિવાય આપ પણ મેદાનમાં છે ત્યારે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. બીજેપી એ 160 બેઠકો પરના ઉમેદવારોને જાહેર કરતા પ્રથમ યાદી બહાર પાડી છે. જેમાં જોઇએ તો ઘણાં નામો કપાયા છે. ને ઘણા નવા ચહેરાઓ સામે આવ્યા છે. ત્યારે કયા ગણિત સાથે ભાજપાએ આ ઉમેદવારોને પસંદ કર્યા છે ?
ભાજપાએ 2022માં જે નામો બહાર પાડયા છે તે જોતા એવું લાગે છે કે તેમનો ઉદેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો છે. જેમાં યુવા નેતાથી સાથે સાથે જ્ઞાતિના સમીકરણનો પણ સાચવી લેવામાં આવ્યા છે. ભાજપાએ જાહેર કરેલા 160 ઉમેદવારો પૈકી 40 પાટીદારો છે, જ્યારે 14 મહિલાઓ છે, 10 બ્રાહ્મણો 5 ક્ષત્રિયો અને 3 જૈનોનો સમાવેશ થાય છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ સમીકરણો કેટલે અંશે પાર ઉતરશે તે તો ચૂંટણીના જંગમાં જ ખબર પડશે સાથે એ પણ જોવાનું રહ્યું કે, સમાજને આ સમીકરણનો કેટલા અંશે લાભ થશે ?
જે રીતે ભાજપાએ જ્ઞાતિના સમીકરણો સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ છે ત્યારે વાત કરીએ આ ઉમેદવારોના ભણતરની તો 160 ઉમેદવારોમાંથી ઘણા ખરા ઉમેદવારોએ ગે્રજ્યુએશન પણ પુરુ કરેલું નથી તો ઘણા ખરા સ્પેશિયલ ડિગ્રી સાથે પણ ભાજપામાં જોડાયા છે.
આશરે 60 જેટલા ઉમેદવારોએ સ્નાતક ડિગ્રી પણ પુરી કરી નથી. જ્યારે 35 જેટલા ઉમેદવારોએ સ્નાતક થયેલા છે અને ઉપરાંત 37 જેટલા ઉમેદવારોએ સ્પેશિયલ ડિગ્રી લીધી છે.
ઘણાં ખરા ઉમેદવારો તો 10 પાસ પણ નથી. જેઓને સમાજના પ્રશ્ર્નો હલ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આમ વાત કરીએ અબડાસા બેઠકની તો ત્યાંના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા એ ધો.4 સુધી અભ્યાસ કરેલો છે. જેમનો વ્યવસાય ખેતી અને ટ્રાન્સપોર્ટનો છે. જેઓ પૂર્વધારાસભ્ય, પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિમાં તેમજ પૂર્વ સરપંચ પણ રહી ચૂકયા છે.
ત્યારબાદ વાત કરીએ વાંકાનેર બેઠકની તો ત્યાંના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણીની તો તેઓનો અભ્યાસ ધો.7 સુધી છે જેઓ એક વ્યાપારી છે ને સાથે સાથે તેઓ નગરપાલિકા પ્રમુખ તરીકે ચાર ટર્મથી આવે છે. ત્યારબાદ વાત કરીએ રાજકોટ દક્ષિણ બેઠકની તો ત્યાંના ઉમેદવાર રમેશ વીરજીભાઈ ટીલાળા કે જેઓ ધો.8 સુધીનો અભ્યાસ ધરાવે છે. અને એક વેપારી છે. જ્યારે દ્વારકા સીટ પરથી પબુભા માણેક જેઓનો અભ્યાસ સાત પાસનો છે અને તેઓ એક વેપારી છે. આ ઉપરાંત તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ છેલ્લી સાત વખતથી દ્વારકા બેઠક પરથી વિજેતા થઈને પૂર્વ મંત્રી રહી ચૂકયા છે. સુરત ઉત્તરના કાંતિભાઈ હિંમતભાઈ બલર કે જેઓના અભ્યાસ સાત ધોરણનો છે. તેઓ એક વેપારી છે અને પૂર્વ ચેરમેન ગાર્ડન સમિતિ અને પૂર્વ ચેરમેન ટી.પી. કમિટીની જવાબદારી નિભાવી ચૂકયા છે. જ્યારે વરાછા રોડના કિશોરભાઈ કાનાણી જેઓ 9 ધોરણનો અભ્યાસ ધરાવે છે. કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને અગાઉ તેઓ ડે. મેયર સુરત મ.ન.પા.ની જવાબદારી નિભાવી ચૂકયા છે.
હાલના ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ તો તેઓએ ડીપ્લોમા ઈન સીવીલ એન્જીનિયરીંગ ડિગ્રી ધરાવે છે. બિલ્ડર લાઈન સાથે સંકળાયેલા અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અમદાવાદ તથા પ્રમુખ મેમનગર ન.પા.ની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે.
આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીની કે જેઓ 9 સુધીનો અભ્યાસ ધરાવે છે. અને મજુરા બેઠક પરના ઉમેદવાર અને ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને હાલ તેઓ ગૃહમંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.
ભૂજ બેઠકના કેશવલાલ પટેલની વાત કરીએ તો તેઓએ ધો.10 સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં તેઓએ પૂર્વ ખજાનચી કચ્છ, પૂર્વ ડાયરેકટર ગુજરાત ટુરીઝમ, પૂર્વ કારોબારી ચેરમેન જી.પં.,પૂર્વ વિપક્ષના નેતા જી.પં. પૂર્વ ચેરમેન ભૂજ, એપીએમસીની જવાબદારી નિભાવી ચૂકયા છે.
જ્યારે જામજોધપુર બેઠકના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયાની તો તેઓ બી.કોમનો અભ્યાસ ધરાવે છે અને ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી, માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂકયા છે.
આ વખતની ચૂંટણીમાં યુવા ઉમેદવાર અને ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની તો તેઓ મિકેનિકલ એન્જીનિયરીંગ ભણેલા છે અને વિધાનસભાની પ્રથમ વખત 78-જામનગર ઉત્તર પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
જ્યારે 69-રાજકોટ પશ્ર્ચિમની વાત કરીએ તો ત્યાંની બેઠકના ઉમેદવાર ડો. દર્શિતા પારસ શાહ છે. જેઓ એમ.ડી. પેથોલોજી ડોકટરની ડિગ્રી ધરાવે છે અને હાલ ડોકટરની ફરજ બજાવે છે. સાથે સાથે તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં મેયરના પદ સંભાળે છે.
જ્યારે 71-રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો ત્યાંના ઉમેદવાર છે. ભાનુબેન મનોહરભાઈ બાબરિયા જેઓએ બી.એ.એલએલબીનો અભ્યાસ કરેલો છે અને તેઓ એક ગૃહિણી છે અને હાલ તેઓ કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા છે.
141- વડોદરા શહેરની વાત કરીએ તો વિધાનસભા બેઠકના ઉમેદવાર મનિષાબેન રાજીવ વકીલ કે જેમને એમ.એ., બી.એડ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે અને સામાજિક કામો સાથે જોડાયેલા છે અને અગાઉ રાજ્યકક્ષા મંત્રી તરીકેની ફરજ બજાવી ચૂકયા છે.
56-અસારવા બેઠક પરના દર્શનાબેન વાઘેલા જેઓ બી.કોમ સુધી અભ્યાસ ધરાવે છે. અને ગૃહિણી છે. જ્યારે તેઓ ડેપ્યુટી મેયર તરીકે ગુજરાત સફાઈ કામદાર બોર્ડના ચેરમેનની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે. 47-નરોડા બેઠકના ઉમેદવાર પાયલબેન મનોજકુમાર કુકરાણી કે જેઓ એમ.ડી. એનેસ્પીસીયા ડોકટરનો અભ્યાસ કરેલા છે. જ્યારે 48-ઠકકરબાપાનગર બેઠકની તો ત્યાંના ઉમેદવાર કંચનબેન વિનુભાઇ રાદડિયા છે કે જેઓ ધો.10 સુધીનો અભ્યાસ ધરાવે છે અને એક ગૃહિણી છે.
આમ જોવા જઇએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તેમાં જ્ઞાતિના સમીકરણો સાથે સાથે નવયુવાનો અને યુથને પ્રમોટ કરવાના સમીકરણો અને તેઓની કાર્યક્ષમતા કે અભ્યાસનો અનુભવ કેટલા અંશે ભાજપાની બહુમતિ આપવામાં મદદરૂપ થાય છે. તે તો આપણને હવે 8 ડિસેમ્બરના દિવસે જ ખબર પડશે.
— કૃપા લાલ (ખબર ગુજરાત)