જામનગર શહેરમાં આવેલી સજુબા ક્ધયા શાળામાં બિનઅધિકૃત દરગાહનું આજે પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રએ સંયુકત ઓપરેશન અંતર્ગત ડિમોલીશન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિના હાથ ધરાયેલા ડિમોલીશનમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલાં દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારાના વિસ્તારોમાં ખડકાયેલા અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો દ્વારકા પોલીસની ટીમે વહીવટી તંત્ર સાથે મળીને ડિમોલીશન કામગીરી અંતર્ગત હજારો ફુટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દ્વાકરા પોલીસની આ કામગીરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સરાહનીય કામગીરી ગણાવી હતી. દ્વારકાની કામગીરી બાદ આજે જામનગર શહેરની મધ્યમાં આવેલી સજુબા ક્ધયા શાળામાં બિનઅધિકૃત ખડકાયેલી દરગાહ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને મામલતદાર તથા એલસીબી-એસઓજી સહિતના પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડીરાત્રિના આ બિનઅધિકૃત દરગાહ દૂર કરવામાં આવી હતી. રાત્રિના કરાયેલી કામગીરી બાદ આ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્રની આ કામગીરીને હિન્દુ સેનાએ બિરદાવી હતી.