સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર કેટલાક લોકો દ્વારા અનઅધિકૃત રીતે અન્યના વિડીયો ચોરી તેનું પ્રસારણ કરતાં આવી ગેરકાયદે પ્રવૃતિ સામે કાર્યવાહી કરવા જામનગરના ફિલ્ડ મીડિયાના પત્રકારો તથા ફોટોગ્રાફરો અને વિડીયો ગ્રાફરો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે.

જામનગરમાં અખબારો, ન્યુઝ ચેનલ તથા ઓથોરાઇઝડ ડિજીટલ મિડીયાના પત્રકારો દ્વારા ફિલ્ડમાં ફોટોગ્રાફસ અને વિડીયો શુટિંગ કરવામાં આવે છે અને પોતાના પ્લેટફોર્મ પર તેને પ્રસિધ્ધ કરવામાં આવે છે પરંતુ કેટલાક અનરજીસ્ટર્ડ અને અનઓથોરાઇઝડ લોકો દ્વારા આવા વિડીયો ન્યુઝ તેમજ અન્ય કન્ટેન્ટ ચોરી કરીને અનઅધિકૃત રીતે પોતાના પ્લેટર્ફોેમ પર અથવા પોતાના એકાઉન્ટમાં ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ગેરકાનૂની પ્રેકટિસ સામે અધિકૃત પત્રકારો અને કેમેરામેનોએ પોતાના ક્ધટેન્ટ ચોરી સામે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે આવા ક્ધટેન્ટ ચોરી કરીને પોતાની ચેનલ કે પ્લેટફોર્મ ચલાવતા અનઅધિકૃત લોકો સામે કોપી રાઇટ એકટ સહિત આઇટી એકટની જુદી-જુદી કલમો અંતર્ગત કાર્યવાહી કરવા જામનગર એસપીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં એવી માંગણી પણ કરવામાં આવી છે કે, આવા લોકોને ચોરી કરેલા કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા સૂચના આપવામાં આવે તેમજ તેઓ જે સ્થળેથી આ પ્રકારની પ્રવૃતિ કરતાં હોય તે સ્થળે દરોડા પાડી તેમના સંશાધનો કબજે કરવા પણ માંગણી કરવામાં આવી છે.
કોઇપણ પ્રકારની મહેનત કર્યા વગર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોલોઅર્સ વધારવા તેમજ ચેનલને મોનેટાઇઝ કરી અનઅધિકૃત રીતે નાણાં કમાવવાની આ પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવાની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સાથે-સાથે એવી દહેશત પણ દર્શાવવામાં આવી છે કે, આવા સોશિયલ મીડિયા હેન્ડલરો દ્વારા ભવિષ્યમાં ચોરી કરેલા કન્ટેન્ટથી લોકોને બ્લેકમેઇલ કરવાની સંભાવનાઓ પણ વધી જાય છે.


