નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો વકીલ આનંદ ગોહિલ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષણમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરમાં 44 શાળાઓ કાર્યરત છે. આ 44 અલગ અલગ શાળાઓ મળીને કુલ 80 જેટલા પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેના પરિણામે બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડે છે. અમુક સ્કૂલમાં બે કલાસ વચ્ચે એક શિક્ષક છે. તો અમુક સ્કૂલમાં ઓછા શિક્ષક આખી સ્કૂલ સંભાળતા હોય છે. આ ઉપરાંત શિક્ષકો બાળકોને ભણાવવા સિવાય બીજી પ્રવૃત્તિઓ, કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાથી બાળકો ભણી શકતા નથી. જેથી શિક્ષકોને બાળકોને ભણાવવા સિવાય બીજી પ્રવૃત્તિઓ કે અન્ય કાર્યક્રમો સોંપવા નહીં તેમ પણ માંગણી કરાઇ છે તથા તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરાઇ છે.