મહારાષ્ટ્ર અને મુંબઈમા કોરોનાના કેસ વધતા લોકડાઉન કરી દેવાયું છે અને પરિસ્થિતિ ફરી ગંભીર બની રહી છે ત્યારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની કડક સ્વાસ્થ્ય તપાસણીને બદલે રાજકોટ સહિતના સોરાષ્ટ્રના રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર આવતા મુસાફરોનું માત્ર થર્મલ ગનથી ચેકિંગ થાય છે. મુસાફરને કોરોનાના લક્ષણો હોય તો સ્થળ પર ટેસ્ટીંગ માટે કોઈ બુથ ન હોવાની આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલવે સ્ટેશનો પર દૈનિક હજારો મુસાફરોની અવર-જવર થાય છે. જ્યાં આર.પી.એફ. અને ટીકીટ ચેકિંગ સ્ટાફ મુસાફરોને કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ છે કે નહી તે થર્મલ ગનથી ચકાશે છે. જોકે કોઈ મુસાફરને કોરોનાના લક્ષણો હોય તો ત્યાં ટેસ્ટીંગની કોઈ વ્યવસ્થા નથી. જેથી અનેક મુસાફરો તો લક્ષણો દેખાયા બાદ પણ હોસ્પીટલે સારવારમાં જતા નથી, એરપોર્ટ પર થર્મલ ગનથી તાવ માપવાની સાથે ઓક્સીમીટરથી ઓક્સીજન લેવલ તપાસવામાં આવે છે. પરંતુ હાલ વધતા કેસને લઈને કોઈ જ સઘન ચેકિંગ શરુ કરવામાં આવ્યું નથી. આ અગાઉ કોરોનાના પ્રથમ રાઉન્ડ વખતે પણ જામનગર અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોડ-રેલ્વે-બંદર-હવાઇ મથકો મારફત બહારથી હજારો લોકો કોઇપણ પ્રકારના ચેંકીગ વિના સૌરાષ્ટમાં પ્રવેશ્યા હતા. જેના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર બની હતી અને સૌરાષ્ટ્રમાં સેંકડો લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે.
રાજયભરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે અન્ય રાજય જેવા કે મુંબઇ- મહારાષ્ટ્ર સહીતના રાજયોમાંથી આવતા લોકોના ટેસ્ટીંગ માટે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર બુથ શરૂ કરવાનું તંત્રોને સુઝયું નથી. વહીવટી અને આરોગ્ય વિભાગના સ્ટાફ ઓછો હોવાના બહાના જોખમી નીવડે તેવું લાગી રહ્યું છે.