Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદુંદાળાદેવને આવકારવા છોટીકાશી સજ્જ

દુંદાળાદેવને આવકારવા છોટીકાશી સજ્જ

જાહેર માર્ગો, કોમર્શિયલ કોમ્પ્લેકસો, સોસાયટીઓ તેમજ ઘરોમાં ગણપતિજીનું સ્થાપન થશે : વિવિધ સ્થળોએ પંડાલો તૈયાર તથા લાઇટીંગ સહિતના ડેકોરેશનોથી પંડાલો સુશોભિત

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં આવતીકાલથી વિઘ્નહર્તા ગણપતિજીની પધામણી થશે. જેને લઇ ગણેશભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગર શહેરમાં દુંદાળા દેવને આવકારવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ શહેરમાં 600થી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે. તેને લઇ વિવિધ શણગાર, લાઇટીંગ, ફૂલો સહિતની ચીજવસ્તુઓનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે. દરવર્ષે વિઘ્નહર્તાનું સ્થાપન કરવા શહેરીજનો અગાઉથી જ અલગ અલગ થિમ નક્કી કરી ડેકોરેશન કરતાં હોય છે.

- Advertisement -

ભાદરવા સુદ 4થી ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે. આવતીકાલે તા. 31 ઓગસ્ટ ભાદરવા સુદ 4થી સતત 11 દિવસ સુધી જામનગર સહિત હાલાર પંથકમાં દુંદાળા દેવની પૂજા-અર્ચના થશે. જામનગર શહેરમાં જાહેર માર્ગો પર સોસાયટીઓમાં, કોમર્શિયલ કોમ્પ્લેકસમાં તેમજ ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. ગત બે વર્ષ કોરોનાકાળને કારણે ધામધૂમપૂર્વક તહેવારોની ઉજવણી થઇ ન હતી. ગણેશ મહોત્સવની પણ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટવાને કારણે સરકાર દ્વારા તહેવારની ઉજવણીમાં છુટછાટ આપવામાં આવી છે. જેને લઇ જામનગરવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. સતત એક માસ સુધી દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસની ઉજવણી બાદ હવે વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવને લઇ છોટીકાશી આવતીકાલથી ગણેશમય બનશે.

જામનગર શહેરમાં એક અંદાજ મુજબ 600થી વધુ સ્થળોએ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, નવ દિવસ તથા અગિયાર દિવસન ભક્તિ અને આસ્થા મુજબ લોકો ગણપતિજીનું સ્થાપન કરતાં હોય છે. જામનગર શહેરમાં મુખ્ય માર્ગોની સાથે સાથે શેરી-ગલીઓમાં તેમજ ઘરોમાં પણ ગણેશ ભક્તો દ્વારા ગણપતિજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જામનગર શહેરનાં પ્રખ્યાત સ્થાપનોની વાત કરીએ તો શહેરમાં મરાઠા મંડળ દ્વારા ચાંદીબજાર ખાતે દરવર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ચાંદીથી મઢેલા ગણપતિજીના વાહન વિશાળકાય ઉંદર સાથેના ગણેશજીના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત અનેક વખત ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવેલ બેડીગેઇટ વિસ્તારમાં કડિયા બજારવાળી ગલીમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવમાં પણ ભારે ભીડ જામે છે. દરવર્ષે કંઇક નવુ કરવાની નેમ ધરાવતું એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે સેવ સોઇલ થિમ ઉપર ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત તળાવની પાળ ખાતે તેમજ મંગલબાગ ખાતે મહારાષ્ટ્ર મંડળ સહિત અનેક નાના-મોટા અને પ્રખ્યાત મંડળો દ્વારા ગણપતિજીની સ્થાપના દરવર્ષે કરવામાં આવે છે. જેનો તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવતીકાલથી ગણેશ મહોત્સવ શરુ થતો હોય, તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગણેશ મહોત્સવ અલગ અલગ થીમ ઉપર આયોજન કરતાં હોય છે. ત્યારે ચાલુ વર્ષે બજારમાં ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટીંગ, આર્ટિફીશીયલ ફૂલો, નેટના પડદા સહિતની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. ડેકોરેશનમાં બેક ગ્રાઉન્ડ માટે આર્ટિફીશીયલ ફૂલોમાં ગલગોટા, ફૂલની લરી તેમજ વેલાની ખૂબ જ માંગ બજારમાં જોવા મળી રહી છે. તેમજ આકર્ષક લાઇટીંગ પણ બજારમાં જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular