જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતા યુવાન તેના ખેતરમાં ખેતીકામ કરતા હતાં તે દરમિયાન દવાના છંટકાવ સમયે અચાનક બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામજોધપુર ગામના બસ સ્ટેન્ડ પાછળ રહેતા સરકારી નોકરી કરતા પ્રૌઢાની તબિયત લથડતા બેશુદ્ધ થવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહેતાં જયપાલસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા નામના યુવાન ગત તા.28 ના રોજ સવારના સમયે તેના ખેતરે ડુંગળીમાં દવાનો છંટકાવ કરતા હતાં તે દરમિયાન અચાનક બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સહદેવસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર ગામમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા પંચવટી સોસાયટીમાં રામવાડી 1 માં રહેતાં અને સરકારી નોકરી કરતા ચેતનાગૌરી અશોકકુમાર સવસાણી (ઉ.વ.51) નામના પ્રૌઢા બુધવારે તેના ઘરે એકાએક તબિયત લથડતા બેશુધ્ધ થઈ જતા સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ અશોકકુમાર દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.