દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ગઈકાલે શુક્રવારે ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી 16 વર્ષીય એક તરુણનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ કરૂણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રહેતા સોળ વર્ષીય કૃણાલ ગોરડીયા, તેમના મામાના દીકરા કિશન તેમજ ચાર મિત્રોએ તાજેતરમાં વરસી ગયેલા નોંધપાત્ર વરસાદના કારણે સાથે ડેમમાં નાહવા જવાનું નક્કી કરતા આ ચાર યુવાનો ગઈકાલે બપોરે અહીંના ઘી ડેમ ખાતે ગયા હતા. ગત સાંજે આશરે ચારેક વાગ્યે આશરે છ ફૂટ જેટલું પાણી ધરાવતા ઘી ડેમમાં આ ચાર યુવાનો- તરુણો પૈકી ત્રણ યુવાનો તરી અને ડેમમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા.
જ્યારે તેમની સાથે પાણીમાં નાહવા માટે ઉતરેલો અત્રે મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતો કૃણાલ માલુભાઈ ઉર્ફે માલશીભાઈ ગોરડીયા નામનો 16 વર્ષનો તરૂણ તરતા ન આવડતું હોવાથી પાણીમાં લાપતા બની ગયો હતો. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા અહીંના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ સ્ટાફના જવાનો ઘી ડેમ ખાતે દોડી ગયા હતા અને પાણીમાં ઝંપલાવી સતત ત્રણેક કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યું ઓપરેશનમાં લાંબી જહેમત બાદ મોડી સાંજે કૃણાલનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
આ ઘટનાની જાણ મૃતકના સંબંધી કાનાભાઈ ગોરાડીયાએ અહીંની પોલીસને કરી છે. આ બનાવ બનતા મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે શહેરમાં ભારે અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. તરૂણના મૃતદેહના પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ચોમાસાના પ્રારંભે જ સર્જાયેલી આ કરૂણાંતિકાએ લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે.