જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 5 માં રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીને તેના પરિવારજનોએ મારી નાખવાની ધમકી આપી હોવા અંગે યુવતીના માતા-પિતા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ કોલોની, શેરી નંબર-5 માં રહેતી કૃપાબા શત્રુજીતસિંહ રાઠોડ નામની વિદ્યાર્થીએ પોતાના પરિવારની વિરૂધ્ધમાં જઈને પ્રેમલગ્ન કરી લીધા હતાં. જે બાબતનો ખાર રાખી ફરિયાદી યુવતીના પિતા પ્રદયુમનસિંહ પ્રતાપસિંહ જાડેજા, માતા ઉષાબા પ્રદયુમનસિંહ જાડેજાએ ફરિયાદીને ફોન કરી ફોન પર મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલ્યા હતાં. તેમજ ફરિયાદીના સસરા યોગેન્દ્રસિંહ રાઠોડને પણ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેણીના દાદી ક્રિષ્નાબા પ્રતાપસિંહ જાડેજા ફરિયાદીના ઘર પાસે જઈને અપશબ્દો બોલી જાની મારી નાખવાની ધમકી આપતા હતાં. આથી ફરિયાદી કૃપાબા દ્વાર તેણીના માતા-પિતા અને દાદી સામે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.