જામનગર શહેરમાં આ વર્ષે તા. 21 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી પ્રદર્શન મેદાન તથા રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં શ્રાવણી મેળો યોજવા સ્ટે. કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. 10 જુલાઇથી 45 દિવસ માટે એડવાન્સ ટેકસ ભરનારને રિબેટ આપવામાં આવશે. આજે મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામો સહિત કુલ રૂા. બે કરોડ સાત લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક આજરોજ વરસાદ વચ્ચે પણ સ્ટે. ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર ડી.એન. મોદી, ડે.કમિશનર ભાવેશ જાની, આસિ. કમિશનર (વ) કોમલબેન પટેલ તથા આસી. કમિશનર (ટે) મુકેશભાઇ વરણવા તેમજ નવ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં વોર્ડ નં. 2,3,4 અને 9, 10,11,12 13 વોર્ડ નં. 1,5,6,7 તથા 8,14,15,16માં 25-25 લાખ ભૂગર્ભ ગટરના વિસ્તૃતિકરણના કામ માટે ફાળવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ટાઉનહોલ રિપેરીંગ માથી નિકળેલી જુની ચેઇર વેચાણથી આપવા રૂા. 1.24 લાખની આવક થશે. તેમજ ભાડાથી ડમ્પર, હિટાચી, ટે્રકટર વિથ ટ્રોલીના કામ માટે 10 લાખ મંજૂર કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે 320 બેડવાળુ સેલ્ટરહોમ બનાવવા 18.52 લાખ, વોર્ડ નં. 9માં સત્યનારાયણ મંદિર પાસે રિટેઇટનીંગ હોલ બનાવવા 10.25 લાખ, વોર્ડ નં. 1માં જુના ફાયર ક્વાટર્સનું ડિમોલીશન કરી નવુ આરોગ્ય કેન્દ્ર, સીસી રોડ તથા કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂા. 60.27 લાખ સહિત કુલ રૂા. બે કરોડ સાત લાખના કામોની મંજૂરી આપવામાં આવી હતી.
આજે મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં આગામી તા. 21 ઓગસ્ટથી તા. 14 સપ્ટે. સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં શ્રાવણી મેળો યોજવા તેમજ તા. 10 જુલાઇથી 45 દિવસ માટે એડવાન્સ ટેકસ ભરનારને રિબેટ આપવા પણ મંજૂરી અપાઇ હતી.