Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆફત ગઇ, રાહત શરૂ; જાનહાનિ ટળી

આફત ગઇ, રાહત શરૂ; જાનહાનિ ટળી

- Advertisement -

1998 બાદનું સૌથી ખતરનાક મનાતું બિપરજોય વાવાઝોડું કચ્છ પરથી પસાર થઇ ગયું છે. 120 થી 140 કિલોમીટર સુધીના પવનો અને ભારે વરસાદે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ખાનાખરાબી સર્જી છે. આ ખાનાખરાબી વચ્ચે રાજય સરકારના આગોતરા પગલાંને કારણે જાનહાનિ ટાળી શકાય છે. જે એક અત્યંત રાહતની વાત રહી છે. સરકારે અપનાવેલા ઓડિશા મોડલને કારણે જાનહાનિ ટાળવામાં સફળતા મળી છે. બીજી તરફ વાવાઝોડાની સૌથી માઠી અસર વિજતંત્રને થઇ છે. ભારે પવનો અને વરસાદને કારણે વીજ સાધનોને મોટું નુકસાન થયું છે. પરિણામે સંખ્યાબંધ ગામો અને નાના શહેરોમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો છે. કચ્છ-સૌરાષ્ટ્રના લગભગ 2609 ગામોમાં અંધારપટ છવાયો છે. જયારે કચ્છનું મુખ્યમથક ભૂજ પણ બે દિવસથી વીજ વિહોણું છે. 3889 ફીડરો ઠપ્પ થઇ ગયા છે. બીજી તરફ વાવાઝોડું પસાર થઇ ગયા બાદ તંત્ર હવે પૂરજોશમાં રાહત અને રેસ્ટોરેશનના કામમાં લાગી ગયું છે. તૂટી પડેલાં વૃક્ષોને માર્ગો પરથી દૂર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં માર્ગોને લગભગ પૂર્વતત કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જયારે વીજતંત્ર દ્વારા વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તૂટી ગયેલા વાયરો અને ઉખડી ગયેલા થાંભલાઓને સ્થાપિત કરવા માટે સંખ્યાબંધ ટુકડીઓને કામે લગાડી દેવામાં આવી છે.

- Advertisement -

ખોરવાઇ ગયેલા જનજીવનને થાળે પાડવા માટેના પ્રયાસો જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સ્થિતિ સંપૂર્ણપણે થાળે પડતાં હજુ બે દિવસનો સમય લાગી જાય તેવું જણાઇ રહયું છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકો કે જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમના માટે કેશડોલ્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ વ્યકિતદીઠ એક દિવસના રૂા. 100 લેખે પાંચ દિવસના કેશડોલ્સ ચૂકવવામાં આવશે.

કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે ગૃહમંત્રી અમિત શાહ

- Advertisement -

કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ વેરેલાં વિનાશનો તાગ મેળવવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. કચ્છમાં પહોંચ્યા બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની હવાઇ નિરીક્ષણ પણ કરશે. તેમની સાથે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. છેલ્લા બે દિવસથી ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયા હતા. તેમણે અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરનસ મારફત વાતચીત પણ કરી હતી.

હવે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ, આવતીકાલે રાજસ્થાનનો વારો

- Advertisement -

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરૂવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં છે, તો થરાદ-ભાભર હાઇવે પર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે.

અતિભારે વરસાદના કારણે થરાદમાં સોસાયટીઓ પાણીમાં પાણી ભરાઇ ગયાં છે. થરાદની સોમનાથ સોસાયટીમાં તો ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જિલ્લાના અનેક નાના માર્ગો નાનાં વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ તરફ પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઇ ગયાં છે. એને લઇને એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં જિલ્લાના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તો ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નાના વોકળાઓમાં પાણી વહેતાં થયાં છે. એને લઇને ઋણીથી અનાપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે. દાંતા તાલુકાના મંડાલી-જશવંતપુરા વચ્ચે પ્રસાર થતી કીડી-મકોડી નદી વહેતી થઇ છે.

રાજ્યના 175 તાલુકાઓમાં વરસાદ, જળાશયોમાં નવા નીર

રાજ્યના દરિયાકાંઠે બે દિવસ પૂર્વે બિપરજોય વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં બિપરજોય વાવાઝોડા લેન્ડફોલ થયાના બે દિવસ બાદ પણ અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને રાજ્યમાં 175 તાલુકમાં વરસાદ નોંધાયો છે જેમાં માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં ગત રાતથી જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત છેલ્લા 30 કલાકમાં દ્વારકામાં અનરાધાર 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટનો આજી-2 ડેમ છલકાયા બાદ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ પણ 14 દરવાજા ખોલવામાં આવશે. તંત્રએ આ માટે પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular