વિદ્યાર્થીનીનો ઓનલાઇન પીછો કરી સોશ્યલ મીડીયા મારફતે ધમકી ભર્યા સંદેશાઓ મોકલી અનિચ્છનીય માંગણી કરનાર શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના સેટેલાઇટ પાર્કમાં રહેતા વૃષીત વ્રજલાલ વાળા નામનો શખ્સ ફરિયાદીના ભાઇનો ફોટો ઓનલાઇન મેળવી એઆઇ ટુલથી તેમાં ફેરફાર કરીને ફરિયાદીના 18 વર્ષની બહેનને ઇસ્ટાગ્રામ મારફતે મોકલી તેના ભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડશે તેવા ધમકી ભર્યા સંદેશાઓ મોકલ્યા હતાં. તેમજ તેણીને વીડીયો કોલ કરી તેના તાબે થવા સતત ઓનલાઇન પીછો કરી અનિચ્છનીય માંગણીઓ કરી હેરાન કરતો હતો. રાજકોટ રેંજ આઇજી નિલીપ્ત રાય તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની દ્વારા સાયબર ક્રાઇમને લગતા બનાવમાં તલસ્પર્શી તપાસ કરવા સુચના આપી હોય સાયબર ક્રાઇમ પીઆઇ આઇ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પાછળ કોણ હશે તેની વિગતો મંગાવી ટેકનીકલ એનાલીસીસ કરાયું હતું.
આ કેસમાં વૃષિત વ્રજલાલ વાળાને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની વિરૂઘ્ધ ઇન્ફોમેર્ન્સન ટેકનોલોજી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram
પોલીસની દિકરીઓને અપીલ
સંતાનો ખાસ કરીને દીકરીઓએ પોતાની ઓળખ કયારેય પણ ઓનલાઇન મુકવી નહીં કે તેઓએ તેમના ફોટાઓ ઓનલાઇન મુકવા નહીં જ્યારે પણ કોઇ બિભત્સ વાતો કરે કે માંગણી કરે ત્યારે તુરત જ તમારા માતા-પિતાને જાણ કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જણાવાયું છે.


