જામનગર શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનના પિતાની કબ્જા ભોગવટાની રૂા.1.66 કરોડની કિંમતની જમીન પચાવી પાડવા બોગસ કુલમુખત્યારનામુ બનાવી બનાવટી સંસ્થા દ્વારા ગેરકાયદેસર વેચાણ કરાર બનાવી પચાવી પાડવાની ફરિયાદના આધારે પોલીસે વધુ એક લેન્ડ ગેબ્રિંગનો ત્રણ શખ્સો સહિતના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર-જિલ્લામાં અનેક લોકોની જમીનો ભૂ-માફિયાઓ દ્વારા પચાવી પાડવાની ઘટનાઓ બનતી રહે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂ-માફિયાઓને ડામવા માટે કડક કાયદાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે અને આ કાયદામાં કડક જોગવાઈ હોવાથી ગુનાખોરી ડામવામાં મહત્વનો ભાગ ભજવશે. જામનગર શહેર નજીક અગાઉ પણ કિંમતી જમીનો પચાવી પાડવાના અનેક બનાવો બન્યા છે. દરમિયાન જામનગરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનાઓ નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેની વિગત મુજબ, જામનગરના હવાઈચોક નજીક વાંઢાના ડેલા વિસ્તારમાં રહેતા ઈકબાલ અલ્લારખા શેખ નામના યુવાનના પિતા અલ્લારખા હાજી શેખના કબ્જા ભોગવટાની ખેતીની સર્વે નં.1323 પૈકી 1 ની 6 એકર 34 ગુઠા રૂા.1,66,32,594 ની કિંમતની જમીન પચાવી પાડવા માટે રાણશી કરશન રાજાણી અને નરશી ગોપા કાલસરિયા નામના બે શખ્સોએ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મૃતક નકા મૈયા ચારણના નામે ખરો દસ્તાવેજ કરાવેલ અને આ પ્રકરણમાં હરેશ લક્ષ્મીદાસ પારેખના નામનું કુલમુખત્યારનામુ આપી નાગેશ્ર્વરનગર નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી અલારખા શેખના જમીનનો ગેરકાયદેસર વેચાણ કરાર બનાવી કબ્જો કરી લીધો હતો.
આ કરોડોનો કિંમતી જમીન પચાવી પાડવા માટે નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશનના વહીવટદારોએ બિનખેતી કરાવ્યા વગર જ પ્લોટીંગ અને નકશો બનાવી વેચાણ કરી નાખ્યું હતું. કરોડોની કિંમતની જમીન પચાવી પાડી વેચાણ કરી નાખ્યાની ઘટનાની જાણ થતા ઈકબાલ શેખ દ્વારા આ મામલે રાણશી કરશન રાજાણી, નરશી ગોપા કાલસરિયા, હરેશ લક્ષ્મીદાસ પારેખ અને નાગેશ્ર્વરનગર નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશનના હોદેદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નીતેશ પાંડેય તથા સ્ટાફ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.