ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા એક ખેડૂત પરિવારના બે ભાઈઓની કિંમતી એવી ખેતીની જમીન તોતિંગ વ્યાજના બદલામાં પચાવી પાડવા સબબ ભાણવડમાં રહેતા બે શખ્સો સાથે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ચેતનભાઈ અરશીભાઈ સોલંકી (ઉ.વ. 38) એ ભાણવડ ખાતે રહેતા મનસુખભાઈ સવજીભાઈ નકુમ તથા વશરામભાઈ કેશાભાઈ પાથર સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ચેતનભાઈ તથા સાહેદ એવા તેમના નાનાભાઈ મિતલભાઈની માલિકીની સરવે નંબર 457 વાળી જમીન જામ રોજીવાડા ગામે આવેલી છે. જેમાં ફરિયાદી ચેતનભાઈના નાના ભાઈ મિત્તલભાઈએ મકાન બનાવવા માટે જાન્યુઆરી- 2015માં મનસુખભાઈ સવજીભાઈ નકુમ પાસેથી રૂપિયા બે લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા. આ પછી મનસુખભાઈ નકુમે પોતાની મૂડી તથા વ્યાજ છુટું કરવા માટે રૂપિયા પાંચ લાખની રોકડ રકમ પાંચ ટકાના વ્યાજે વશરામ કેશાભાઈ પાથર પાસેથી અપાવી હતી. બાદમાં ચેતનભાઈ તથા તેમના ભાઈ મિતલભાઈને ધમકાવી આરોપીઓ દ્વારા અલગ-અલગ નવ ચેક લખાવી લેવામાં આવ્યા હતા. જે પૈકીના એક ચેકમાં રૂપિયા સાડા સાત લાખની રકમ ભરી બેંકમાં નાખી અને આ ચેક બાઉન્સ કરાવ્યા બાદ તેઓ ઉપર આરોપીઓ દ્વારા નેગોશિયેબલ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓની ધાક-ધમકીથી ફરિયાદીનો નાનોભાઈ મિતલ અગાઉ ઘર છોડીને નાસી ગયો હતો. લાંબા સમય બાદ પરત આવ્યો હતો.
આ પછી જુના સ્ટેમ્પનો ઉપયોગ કરી ફરિયાદી મનસુખભાઈની બનાવટી સહીથી પ્રોમિસરી નોટનો બોગસ દસ્તાવેજ બનવી અને તેના બદલામાં રૂા. સાડા બેતાલીસ લાખની રકમ મળી ગયા અંગેનો બનાવટી કરાર પણ ઉભો કરવામાં આવ્યો હોવાનું વધુમાં જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બનાવટી દસ્તાવેજો બનાવી આ દસ્તાવેજોનો સિવિલ દાવામાં ખરા તરીકે ઉપયોગ કરી, તેના આધારે બંને ભાઈઓને જેલમાં મોકલાવી દેવાની ધમકી આપી અને ડરાવી- ધમકાવી ઉપરોક્ત બંને શખ્સો દ્વારા અનુકૂળ પાંચ તથા અઢાર વીઘા મળી તેઓની કુલ 23 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો.
આમ, બંને ખેડૂત ભાઈઓની કિંમતી જમીન પચાવી પાડી, નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં પણ રૂપિયાનું ધિરાણ કરવાનો ધંધો કરી, ઊંચુ વ્યાજ વસૂલ કરવા સબબ ચેતનભાઈ સોલંકીએ ભાણવડ પોલીસ મથકમાં બંને શખ્સો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.
જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 120(બી), 465, 467, 468, 471, 504 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ) અને ગુજરાત નાણાં ધીરધારની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા રાયટર શક્તિસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.