દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામે રાત્રિના સમયે ત્રણ મહારાષ્ટ્રીયન યુવાનોએ આ વિસ્તારમાં એક સફેદ વાગડ ગાય તથા કાબરી ગાયને ક્રૂરતાપૂર્વક મારી નાખવાના ગુના સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે કંડોરની સીમમાં રહેતા ડાડુભા બાબભા કુરાણી નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના મૂળ વતની અને હાલ પીંડારા ગામની સીમા રહેતા અશોક ધનાભાઈ વસાવે, નિતેશ રાજુ વસાવે અને ચેતન કિલીયા વસાવે નામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ ગત તારીખ 18 માર્ચથી તારીખ 23 માર્ચના રાત્રીના સમયગાળા દરમિયાન પીંડારા ગામની સીમમાં આરોપી શખ્સોએ ફરિયાદી ડાડુભાની માલિકીની રૂપિયા 25,000 ની કિંમતની સફેદ વાગડ ગાયને ધારદાર કુહાડાથી ફટકારી અને ગાયના શિંગડાના ભાગે તથા અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા અન્ય એક સાહેદ અભુભાની રૂપિયા 15,000 ની કિંમતની અને ચાર વેતરની કાબરી ગાયને પણ આ જ રીતે ધારદાર કુહાડા વડે જીવલેણ રીતે માર મારી, હત્યા નીપજાવી હતી.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય પરપ્રાંતિય શખ્સો ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જુદી જુદી કલમ ઉપરાંત આઈ.પી.સી. કલમ 429, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ કરી છે.
ગાયોને આ પ્રકારે નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારવાના આ બનાવથી ગૌપ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી જોવા મળી છે.