Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજયમાં જીએસટી ચોરો પર તવાઇ

જામનગર સહિત રાજયમાં જીએસટી ચોરો પર તવાઇ

જામનગરમાંથી એક ડઝન જેટલાં કારખાનેદારોની અટકાયત : જીએસટી ઓફિસમાં કરવામાં આવી પૂછપરછ : રાજયમાં 65 થી વધુ લોકોને અટક કરવામાં આવ્યા

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ટિકિટ મેળવી ચૂકેલા ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત બની ગયા છે બરાબર ત્યારે જ ટેક્સ વિભાગે એક્ટિવ થઈ જઈને કરચોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ઈન્કમટેક્સ વિભાગે કચ્છ સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા બાદ આજે જીએસટી વિભાગે રાજકોટ સહિત ગુજરાતના 13 જિલ્લાઓમાં એટીએસને સાથે રાખી મોટાપાયે દરોડાનો દોર શરૂ કરતાં કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એટીએસ-જીએસટી વિભાગ-ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની એજન્સીઓએ 65થી વધુની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતમાં થોડા સમય પહેલાં જ મોટાપાયે જીએસટી બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું હતું જેની ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ કૌભાંડના તાર રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં ફેલાયેલા હોવાનું ખુલતાં આજે વહેલી સવારથી જ જીએસટી વિભાગ, એટીએસ, ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 65થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જીએસટી-એટીએસના અત્યાર સુધીના ગુજરાતમાં સૌથી મોટા ઓપરેશન સમી કાર્યવાહી અત્યારે રાજકોટ ઉપરાંત કચ્છ, અમદાવાદ, જામનગર, સુરત, ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં ચાલી રહી છે.

- Advertisement -

વહેલી સવારથી જ અલગ-અલગ ટીમો અલગ-અલગ શહેરોમાં પહોંચી ગઈ હતી અને કરચોરો ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું હતું. અત્યારે દરોડાનો દોર ચાલી રહ્યો હોવાથી કેટલી કરચોરી પકડાઈ તે સહિતની વિગતો મોડેથી જાહેર કરવામાં આવશે પરંતુ આ આંકડો મોટી સંખ્યામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ અટકાયત થયેલા 65 લોકોની અત્યારે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ સઘન પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે શું આ કરચોરો કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જીએસટી ચોરીનું કૌભાંડ વધી રહ્યું હોવાથી તેને ડામી દેવા માટે વિભાગ દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કરચોરી કરીને તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિમાં કરવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી હોવાથી હવે એટીએસે પણ તેમાં ઝંપલાવ્યું છે. સાંજ સુધી આ દરોડાનો દોર ચાલનાર હોવાથી મોટાપાયે આ મામલે ધડાકા-ભડાકા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular