કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાએ કહ્યું હતું કે, કોર્ટો ’ધાર્મિક મુદ્દાઓ’નો ઉકેલ લાવવાનું મંચ નથી. હિજાબ વિવાદ અંગેના તેમના ચૂકાદામાં ન્યાયાધીશ ધૂલિયાએ નોંધ્યું હતું કે, આ વિવાદના ઉકેલ માટે આવશ્યક ધાર્મિક પ્રથાનો ઉલ્લેખ જરૂરી નહોતો. તેમણે ઉમેર્યું કે મારૂં માનવું છે કે કોર્ટો ધાર્મિક સવાલોના જવાબો શોધવા માટેનું મંચ નથી. ચોક્કસ ધાર્મિક બાબતોમાં હંમેશા એક કરતાં વધુ મતો હોવાના કારણે તેમજ અન્ય કારણોથી કોર્ટો આ કામ સારી રીતે કરવા માટે સજ્જ નથી. જોકે, તેમણે ઉમેર્યું કે બંધારણ દ્વારા નિશ્ર્ચિત સરહદો તોડવામાં આવે અથવા અન્યાયી પ્રતિબંધો મૂકવામાં આવે ત્યારે કોર્ટોએ દરમિયાનગીરી કરવી જોઈએ.
દરમિયાન ભાજપે ભારપૂર્વક કહ્યું હતું કે તે હંમેશા સ્કૂલોમાં યુનિફોર્મ સિવાય હિજાબ અથવા અન્ય કોઈપણ પ્રકારના પહેરવેશનો વિરોધ કરીશું. અલગતાવાદને પ્રોત્સાહન આપવા ધાર્મિક સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકાય નહીં. હિજાબ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવતાં જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું કે, સુપ્રીમના ચૂકાદા અંગે તેઓ ટીપ્પણી કરી શકે તેમ નથી. પરંતુ તેઓ હંમેશા અલગતાવાદી માનસિક્તાનો વિરોધ કરશે. સ્કૂલોમાં ડ્રેસકોડનો અર્થ છે વિદ્યાર્થીઓમાં સમાનતાના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવું. સ્કૂલોમાં બુરખા અથવા હિજાબને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દા માત્ર અલગતાવાદને જ પ્રોત્સાહન આપે છે તેમ મારું માનવું છે.