હાલારનો દરિયાકિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આ દરિયાકિનારેથી નશીલા પદાર્થ ઘૂસાડવાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે છેલ્લાં ઘણાં સમયથી રાજ્યની એજન્સીઓ સક્રિય થઈ જતાં નશીલા પદાર્થનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લેવાની કામગીરી વધી ગઈ છે. દરમિયાન જામનગર નજીકથી એસઓજીની ટીમે મુંબઇમાં નાઈજીરિયન નાગરિક પાસેથી ડ્રગ્સ મેળવી જામનગર આવી રહેલા દંપતીને એસઓજીની ટીમે 6.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો રાજ્યનો સૌથી લાંબો દરિયાકિનારો સંવેદનશીલ રહ્યો છે. અગાઉ પણ આ દરિયાકિનારનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો અને હાલ પણ આ દરિયાકિનારાનો ઉપયોગ નશીલા પદાર્થ ઘૂસાડવાની ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. આ દરિયાકિનારેથી છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થ ઘૂસાડીને વેચાણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ ડામવા માટે એટીએસ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત જામનગર અને દ્વારકા જિલ્લામાં દરોડા પાડી નશીલા પદાર્થ કબ્જે કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક દરોડાની વિગત મુજબ, રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં જામનગર મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતી આવતું હોવાની હેકો સંદિપ ચુડાસમા, રાજેશ મકવાણા, હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઈન્સ્પેકટર બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવેલા દંપતી જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે ઉતરી ગયા હતાં અને તે જ સમયે વોચમાં રહેલી એસઓજીની ટીમે બાતમી મુજબના સલીમ કાદર લોબી (રહે. લાલવાડી આવાસ કોલોની હાપા રોડ, જામનગર) (ઉ.વ.41) તથા તેની પત્ની રેશ્માબેન સલીમ કાદરભાઈ લોબી (ઉ.વ.40) (રહે. લાલવાડી આવાસ કોલોની હાપા રોડ, જામનગર) નામના પતિ-પત્નીની તલાસી લેતા તેમની પાસેથી રૂા.6 લાખની કિંમતનું મેફેડ્રોન 60 ગ્રામ ડ્રગ્સ તથા રૂા.70 હજારની કિંમતના ત્રણ મોબાઇલ, રૂા.3290 ની રોકડ રકમ, એક પેસ મળી કુલ રૂા.6,73,340 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ સલીમની પૂછપરછ હાથ ધરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇના ડોંગરી વિસ્તારમાં આવેલા મનિષ માર્કેટ પાછળના રેલવે પટરી પાછળથી ‘ઝોન’ નામના નાઈજીરીયન શખ્સ પાસેથી વેંચાણ સંદર્ભે સલીમના મિત્ર સમીર ઈકબાલ સમા માટે ખરીદ કર્યો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તેમજ સલીમ લોબી નામનો શખ્સ અગાઉ વર્ષ 2018માં પણ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. જામનગર અને દ્વારકામાં વધી રહેલા ડ્રગ્સના કારોબારને ડામવા માટે પોલીસ એકટીવ બની ગઈ છે. હાલમાં જામનગર અને દ્વારકામાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરોની ધરપકડ અને દ્વારકામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં પેડલરના મકાનને પણ તોડી પાડવામાં તોડી પાડવામાં આવ્યું હતું. આમ પોલીસ અને સરકાર નશીલા પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલા દંપતીના રિમાન્ડ મેળવવા અને નાઇજીરીયન શખ્સ તથા ડ્રગ્સનો જથ્થો ખરીદ કરનાર સમીર સમાને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.