ખંભાળિયા શહેરના મુખ્ય પોલીસ મથકમાં દોડી આવેલી 12 વર્ષની બાળાને પોલીસ સ્ટેશનની “સી ટીમ” દ્વારા પૂછપરછ અને કાઉન્સિલિંગ બાદ આ બાળકીની ઈચ્છા મુજબ તેનો કબજો તેણીના દાદાને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના મુખ્ય પોલીસ મથકમાં અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ “સી ટીમ” કાર્યરત છે. જેના ઇન્ચાર્જ તરીકે પી.એસ.આઈ. વી.બી. પીઠીયા તથા સ્ટાફ દ્વારા મહિલા તથા બાળ સુરક્ષાને લગતી કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશન ખાતે ઉર્વશી નામની બાર વર્ષની બાળા આવી હતી. અહીં પોલીસની સી ટીમ દ્વારા સમજાવટથી આ બાળાની પૂછપરછ કરતા તેણી પોતાના પિતા તેમજ ઓરમાન માતા સાથે રહેવા માંગતી ન હતી. તેના બદલે તેણી પોતાના દાદા-દાદી સાથે રહેવા માંગતી હોય, જે સંદર્ભે પોલીસ દ્વારા તેણીનું કાઉન્સિલિંગ કરી અને પિતા તથા દાદાનું નિવેદન લઈ, આ બાળકીનો કબજો તેના દાદા ડાયાભાઈ અરજણભાઈ નકુમને સોંપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, પી.એસ.આઈ. વી.બી. પીઠીયા, વુમન કોન્સ્ટેબલ મણીબેન જોગલ, કાજલબેન દેથરીયા અને શીતલબેન કાપડિયા દ્વારા કરવામાં આવી હતી.