છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. હવે કોવિડ-19ના કેસ ઓછા થયા હોવાથી રાહત છે. પરંતુ ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં કોરોનાની એન્ટ્રી ન થઇ હોય. જો કે ઉત્તર કોરીયામાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. અને હવે અહીં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર કોરિયાએ પહેલીવાર અધિકૃત રીતે કોરોનાના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. કોરોનાનો કેસ નોંધાતા તાનાશાહ કિમ જોંગ ઉન દ્વારા આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ઉત્તર કોરિયાએ ક્યારેય જણાવ્યુ નથી કે ત્યાં કોરોનાના કેસ નોંધાયા હોય. ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોનો કોવિડ ટેસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. હાલ આ દર્દીને આઇસોલેટ કરવામાં આવ્યો છે.
કોરોનાની મહામારી શરુ થઇ ત્યારથી જ આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું તેવામાં ઉત્તર કોરિયાએ ત્યાં શૂન્ય કેસ હોવાનો દાવો કર્યો હતો.ગત વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું હતું કે અહીં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આમાં ચેપનો એક પણ કેસ જોવા મળ્યો નથી