છેલ્લા છ મહિનાથી સુષુપ્ત અવસ્થામાં રહેલો કોરોના ફરી સક્રિય થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાન પરિવર્તન અને બેવડી ઋતુનાં મિશ્રણ વચ્ચે વાયરલ રોગચાળા વચ્ચે વકરી રહેલાં કોરોનાએ પણ ટેન્શન વધારી દીધું છે. જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે લાંબા સમય બાદ એક સાથે કોરોનાના 3 પોઝિટીવ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. ગઇકાલે જામનગર શહેરમાં મેડિકલ કોલેજના એક છાત્ર અને એક વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની એક સગર્ભાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. ત્રણેય પોઝિટીવ દર્દીઓને આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા છે. કોરોનાના કેસમાં અચાનક આવી રહેલાં ઉછાળાથી લોકોમાં પણ ફરી વખત ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ત્યારે કોરોનાની આ મહામારી ફરી ગંભીર સ્વરૂપ ધારણ ન કરે તે માટે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ગઇકાલે કોરોના અંગે કુલ 82 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જામનગર શહેરમાં હાલ કોરોનાના 3 એકિટવ કેસ છે. જે પૈકી બે વ્યકિતઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે એકને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજયમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઇકાલે ગુજરાતમાં નવા 176 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજયમાં એકિટવ કેસની સંખ્યા વધીને 916 પર પહોંચી ગઇ છે. ભરૂચમાં કોરોનાને એક વ્યકિતનું મોત થયું હતું. જયારે 3 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. ગઇકાલે 176 પૈકી 90 કેસ એકલા અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યા હતા. જયારે રાજકોટમાં 19, સુરતમાં 18 અને મહેસાણામાં 16 કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમ છતાં વેકિસનેશનની પ્રવૃત્તિ મર્યાદિત છે. દૈનિક સરેરાશ 600-700 લોકોને કોવિડ વેકિસન આપવામાં આવી રહી છે.
સાવધાન : જામનગરમાં ફરી વકરી રહ્યો છે કોરોના
જામનગરના એક મેડિકલ છાત્ર અને વેપારી તેમજ કાલાવડના ખંઢેરાની સગર્ભા મહિલા કોરોના પોઝિટીવ આવ્યા : જામનગર શહેરમાં કુલ 3 એકિટવ કેસ : આરોગ્ય તંત્રનું ટેન્શન વધ્યું : રાજયમાં ગઇકાલે નોંધાયા નવા 176 કેસ