કોરોનાના વળતા પાણી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ માસ્ક મરજિયાત કરવાની માગ કરી છે, તબીબોના મતે નાના પારિવારિક કાર્યક્રમોમાં હવે માસ્કની જરૂર નથી, કાર અને જાહેર સ્થળો જયાં ઓછી ભીડ હોય ત્યાં માસ્ક હટાવવા જોઈએ, તેમ આઈએમએના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોરા અને ડો. મુકેશ મહેશ્વરીનું કહેવું છે. મહત્ત્વનું છે કે, સોમવારથી દિલ્હીમાં કારમાં માસ્ક પહેરવું ફરજિયાત નથી.
આઈએમએ સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, નજીકના ભવિષ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ આવે તેવી સંભાવના દેખાતી નથી એટલે ફરજિયાત માસ્કનો નિર્ણય હટાવી લેવો જોઈએ, મોટે ભાગે કોરોનાની ત્રીજી લહેર પૂરી થઈ ગઈ છે, આખા ગુજરાતમાંથી કરફ્યુ હટાવી લેવાયો છે, શાળા-કોલેજો પણ સંપૂર્ણ ઓફલાઈન થઈ છે, અત્યારે 60 ટકા જેટલા લોકો માસ્ક પહેરતા નથી, બાકીના 40 ટકા જેટલા લોકો માસ્ક પહેરે છે પરંતુ એમાંય મોટા ભાગના પહેરવા ખાતર પહેરતા હોય તેવું હોય છે, માસ્ક દાઢી પર કે પછી નાકની નીચે હોય છે, અત્યારે સામાન્ય જનજીવન પૂર્વવત્ થયું છે, માસ્ક હટાવી લેવાનો નિર્ણય જાહેર થાય તો નાગરિકોને પણ હાશકારો થશે, કોરોનાના અન્ય નિયંત્રણો દૂર કર્યા તે રીતે ફરજિયાત માસ્કનો નિર્ણય સરકારે દૂર કરવો જોઈએ, તેવી તબીબોની માગણી છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં મોટા ભાગના કેસ માઇલ્ડ પ્રકારના આવ્યા છે. જેના કારણે ખૂબ ઓછી માત્રામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. એકંદરે કોરોનાની બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરની ઘાતકતા ઓછી રહી છે. અને એટલે જ મૃત્યુઆંક આ વખતે વધ્યો નથી.