ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતના સમાચાર એ છે કે સોમવારની સરખામણીમાં 6.5% ઓછા કેસ આવ્યા છે. સોમવારે દેશમાં કોરોનાના 1.79 લાખ કેસ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 3,58,75,790 કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4,461 થઈ ગયા છે.
ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં અહીં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286, દિલ્હીમાં 19,166, તમિલનાડુમાં 13,990, કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 277ના મોત થયા છે ભારતમાં, છેલ્લા 24 કલાકમાં મળી આવેલા કુલ કેસોમાંથી, આ 5 રાજ્યોમાંથી 58.08% નવા કેસ નોંધાયા છે. આ સિવાય એકલા મહારાષ્ટ્રમાં 19.92% કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 4,84,213 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાની રફતાર થોડી ધીમી પડી છે. છેલ્લા 4 દિવસથી નવા સંક્રમણના વૃદ્ઘિદરમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યુ છે. રવિવારે અને સોમવારે તે 12.5 ટકા પર સ્થિત રહ્યુ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે બીજા દેશોના અનુભવોના આધાર પર એ સંભાવના છે કે આવતા દિવસોમાં ધીમે ધીમે આંકડામાં સ્થિરતા આવશે પરંતુ નવા કેસની સંખ્યા વધશે. 8 થી 10 દિવસ બાદ નવા સંક્રમણમાં વાસ્તવિક ઘટાડાનું વલણ નજરે પડી શકે તેમ છે.
દેશમાં 28 ડીસેમ્બરના રોજ કોરોનાનું દૈનિક સંક્રમણ ન્યુનત્તમ સ્તર પર હતુ અને તે દિવસે 6358 નવા કેસ નોંધાયા હતા પરંતુ 29ના રોજ વધીને 9195 થયા અને તેમા 45 ટકાની વૃદ્ઘિ થઈ. 30ના રોજ નવા સંક્રમણ 13154 નોંધાયા જે 29મીની સરખામણીમાં 43 ટકા વધ્યા. 31 ડીસેમ્બરના રોજ 28, 1 લી જાન્યુઆરીએ 36, 2 જાન્યુઆરીએ 21, 3 જાન્યુઆરીએ 22.5, 4 જાન્યુઆરીએ 10, 5 જાન્યુઆરીએ 55, 6 જાન્યુઆરીએ 56.5 ટકા દૈનિક સંક્રમણ વધ્યુ ત્યારે નવા સંક્રમણ 58097થી વધીને 90928 થઈ ગયા હતા. આ ત્રીજી લહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ઘિ હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર 7 જાન્યુઆરીના રોજ નવા સંક્રમણમાં 29 ટકાનો વધારો નોંધાયો કારણ કે સંક્રમણ 90928થી વધીને 117100 થઈ ગયા હતા. 8 જાન્યુઆરીએ તે 141986 થઈ ગયા અને વૃદ્ઘિ 21 ટકા જ રહી, જ્યારે 9 જાન્યુઆરીએ નવા કેસ 159632 તથા 10 જાન્યુઆરીએ 179723 થઈ ગયા. બન્ને દિવસે વૃદ્ઘિદર 12.5 ટકાની નજીક રહ્યો હતો.