રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ 1 જૂનથી શરૂ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની શરૂઆત કરશે. આ પહેલા 28 મેથી 5 દિવસીય વિશેષ સર્વદેવ અનુષ્ઠાનની શરૂઆત થશે. આ અનુષ્ઠાનમાં તમામ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિધિવત પૂજા કરવામાં આવશે. આ વિશેષ અનુષ્ઠાન અંતર્ગત રુદ્રી, દુર્ગા સપ્તશતી, વિષ્ણુ સહસ્ત્રનામ, ચતુર્વેદનું નિયમિત 2 સત્રમાં સવારે 8થી 11 અને બપોરે 3થી 6.15 સુધી પાઠ કરવામાં આવશે.
તેની પૂર્ણાહુતિ માટે રાજસ્થાનના પંડિત હિતેશ અવસ્થી, સિદ્ધાર્થનગરના ઉમેશ ઓઝા, બંગાળના લીલારામ ગૌતમ, દિલ્હીના પવન શુક્લા, વારાણસીના રામજી મિશ્રા અને અયોધ્યાના દુર્ગાપ્રસાદ, શિવશંકર વૈદિક, રઘુનાથદાસ શાસ્ત્રી, પ્રમોદ શાસ્ત્રી સહિત 40 વિદ્વાનો હાજર રહેશે. 5 જૂનના રોજ અનુષ્ઠાન પૂર્ણ થશે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ સામેલ થશે. હવનમાં આહુતિઓ આપવામાં આવશે. દરેક દિવસે બંને સત્રો માટે અલગ- અલગ યજમાન હશે.
શનિવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય, ડો. અનિલ મિશ્રા, મહંત દિનેન્દ્રદાસ અને અન્ય ટ્રસ્ટીઓ યજમાનની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમ માટે અયોધ્યાના અગ્રણી સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. સાથે જ પરિસરને શણગારવામાં આવી રહ્યું છે. શુક્રવારે વિશેષ અનુષ્ઠાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.