કોરોના મહામારી અંગે કેન્દ્ર સરકારની વ્યવસ્થા મામલે રાહુલ ગાંધીએ મંગળવારે કોંગ્રેસ વતી એક શ્વેત પત્ર જારી કરી મોદી સરકારને ટકોર કરી કે કોરોનાની ત્રીજી લહેરના સંભવિત ખતરાને ધ્યાને લઈ અત્યારથી જ પુરી તૈયારી કરવામાં આવે અને રસીકરણ ઝડપી બનાવવામાં આવે. પહેલી અને બીજી લહેરમાં જે ભૂલો કરી તેનું ત્રીજીમાં પુનરાવર્તન ન થાય.
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માગ કરી કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને આર્થિક મદદ કરવી જોઈએ તથા કોરોનાથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે કોવિડ વળતર કોષ સ્થાપિત કરવો જોઈએ. કોંગ્રેસના શ્વેત પત્રમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સરકારે કરેલી ભૂલો અને ગેરવ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે કોરોના નિયંત્રણ મામલે પગલાંઓની સમીક્ષા માટે સર્વપક્ષીય સમીતિ, ગરીબોને આર્થિક મદદ, કોવિડ અસરગ્રસ્ત પરિવારોને 4-4 લાખ તથા રાજ્યોને યોગ્ય માત્રામાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા ભલામણ કરી છે.
શ્વેત પત્ર જારી કરતાં રાહુલે કહ્યુ કે આ શ્વેત પત્રનું લક્ષ્ય સરકાર સામે આંગળી ઉઠાવવાનું નથી. અમે સરકારની ભૂલોનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કારણ કે આવનારા સમયમાં તેને સુધારી શકાય. પહેલી અને બીજી લહેરમાં સરકારની વ્યવસ્થા સંબંધિત ખામીઓને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો. જેને સમયસર પગલાં ઉઠાવી રોકી શકાય તેમ હતું. પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સૂચનો કર્યા હતા તો ભાજપના મંત્રીઓએ તેમની મજાક ઉડાવી હતી. બે-ત્રણ મહિના બાદ સરકારે તેમણે સૂચવેલા પગલાંઓ જ ઉઠાવવા પડયા હતા. સરકારે પોતાની ભૂલો સ્વીકારવી જોઈએ. તો જ યોગ્ય રસ્તે ચાલવુ સંભવ બનશે.
રાહુલે કહ્યુ કે ઓક્સિજન, દવાઓ, બેડ અને અન્ય જરૂરીયાતોને ત્રીજી લહેર પહેલા પુરી કરવી જોઈએ. દેશ જાણે છે કે ત્રીજી લહેર આવવાની છે. વાયરસ પોતાનું સ્વરૂપ બદલાવી રહ્યુ છે. અમે સરકારને આગ્રહ કરીએ છીએ કે તે અત્યારથી તૈયારી કરે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રો માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવે.
દેશમાં કોરોના સંક્રમણ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાનો સાધી તેમને સલાહ આપતા ગિન્નાયેલા ભાજપના નેતાઓએ પલટવાર કર્યો હતો.
રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જ્ઞાની બાબા તરીકે નવાજ્યા હતા. તેમણે કહ્યું કે જ્ઞાની બાબા વડાપ્રધાનને જ્ઞાનના મોતી વહેંચી રહ્યા છે. તેમણે કોરોના અંગે કેટલીયે બાબતોમાં આત્મનિરિક્ષણ કરવું જોઈએ. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જ્યારે પણ દેશમાં કંઈક સારું થાય છે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સારું લાગતું નથી અને ચિઢાઈ જાય છે.
સ્મૃતિએ સવાલ ઉઠાવ્યા કે બીજી લહેર ક્યાંથી શરૂ થઈ? કોંગ્રેસશાસિત રાજ્યો, ભારતના કેસ અને મૃત્યુમાં મોટો હિસ્સો કયાં રાજ્યોનો હતો ? કોણે વિકેન્દ્રીકરણની માગ કરી હતી ? કોણે યુ ટર્ન લીધો અને રસીકરણમાં કયાં રાજ્યોનું પ્રદર્શન ખરાબ રહ્યું ? દીવા તળે અંધારું સમજી જાય તો સારું… તેમ કહી રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.
કોરોના મામલે કોંગ્રેસ દ્વારા શ્વેતપત્ર જાહેર
સ્મૃતિ ઇરાનીએ રાહુલને જ્ઞાની બાબા લેખાવ્યાં