ચોમાસા દરમ્યાન લોકોની સુખાકારી અને સુવિધા જાળવવામાં જામ્યુકોનું તંત્ર નિષ્ફળ ગયાનો આક્ષેપ વિપક્ષી નેતા આનંદ રાઠોડે કર્યો છે.
સત્તાધિશોની નિષ્ફળતા અંગે કોંગ્રેસ દ્વારા ડે. કમિશનરને પાઠવેલા આવેદનમાં તેમણે જણાવ્યું છે કે, ચોમાસાની સિઝનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની બેદરકારીને કારણે શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલાં પડયા છે. જે ઉપાડવામાં આવતા નથી. ચોમાસામાં આ કચરો કોહવવાને કારણે રોગચાળાનો ખતરો મંડરાઇ ગયો છે. બીજી તરફ માત્ર 13 ઇંચ વરસાદમાં શહેરના રસ્તાઓની પોલ ખુલી ગઇ છે. અનેક રસ્તાઓ ખાડાઓથી ભરપુર બની ગયા છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પશુઓમાં લમ્પી રોગચાળા અંગે પણ તંત્ર નિષ્ફળ રહયું છે. આ રોગચાળાને કારણે થયેલા ગાયોના મોત અંગે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. આખું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવો આભાસ શહેરીજનોને થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહયા હતા.